સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11 arrested

![]()
– દિલ્હી પોલીસને દેશવ્યાપી નેટવર્કમાં વધુ જાસૂસોની સંડોવણીની આશંકા
– પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે અનેક રાજ્યોમાં સીસીટીવી સર્વેલન્સનું ષડયંત્ર રચાયું હતું
નવી દિલ્હી : દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં ફેલાયેલું એક ખતરનાક જાસૂસી રેકેટ દિલ્હી પોલીસે પકડી પાડયું છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે જો આ રેકેટ સમયસર ઝડપાયું ન હોત તો દેશમાં અકલ્પનીય આતંકી હુમલા થયા હોત. આ ખતરનાક રેકેટ પાછળ આઈએસઆઈસનો હાથ હતો. પાકિસ્તાનમાં બેસીને આઈએસઆઈના નાપાક અધિકારીઓ સીસીટીવી ફૂટેજના આધારે ભારતીય લશ્કરની ગતિવિધિ પર નજર રાખતા હતા.
દિલ્હી પોલીસે પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે ચાલતા એક ખતરનાક જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરોડા પાડીને પોલીસે સોલર પાવરથી ચાલતા કેમેરાનું નેટવર્ક ઝડપી લીધું છે. એ કેમેરાની લાઈવ ફીડ પાકિસ્તાનમાં આઈએસઆઈની ઓફિસમાં જતી હતી. દેશના સંવેદનશીલ વિસ્તારોમાં કેમેરા લગાવાયા હતા. ત્યાંથી સૈન્યની ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હતી. કપૂરથલા, જલંધર, પઠાણકોટ, પટિયાલા, મોગા જેવા પંજાબના સ્થળો પરથી સીસીટીવી મળ્યા હતા. હરિયાણાના અંબાલા, જમ્મુ-કાશ્મીરના કઠુઆ, રાજસ્થાનના બાડમેર અને અલવરમાંથી એવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા કે જેનું ફૂટેજ સીધું પાકિસ્તાન પહોંચતું હતું. સોલર પાવરથી કેમેરા ચાલતા હોવાથી પાવર સોર્સની જરૂર પડતી ન હતી તેના કારણે અવરોધ વગર કેમેરા ચાલતા હતા. કેમેરા સાથે ફેક આઈડીથી મેળવેલા સિમકાર્ડ પણ લાગેલા હતા. તેના કારણે મોબાઈલ એપ્સથી સીસીટીવી ફૂટેજનો એક્સેસ પાકિસ્તાનની જાસૂસી એજન્સીને મળતો હતો.
આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લઈને સૈન્યની ગતિવિધિ સુધીની ઘણી માહિતી આ સીસીટીવીના માધ્યમથી પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી સુધી પહોંચતી હતી. આ જાસૂસીના ષડયંત્રમાં દિલ્હી પોલીસે જુદા જુદા રાજ્યોમાંથી ૧૧ની ધરપકડ કરી છે. હજુય આ દેશવ્યાપી જાસૂસી નેટવર્કમાં વધુ જાસૂસોની સંડોવણીની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દિલ્હીમાં એક ખતરનાક આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું. હુમલા માટે હથિયારો અને વિસ્ફોટકોની ગોઠવણ થઈ રહી હતી. આરોપીઓ જાસૂસી ઉપરાંત હથિયારો અને ડ્રગ્સના રેકેટમાં પણ સંડોવાયેલા છે. આરોપીઓ પાસેથી નવ સીસીટીવી કેમેરા, વિદેશી બનાવટની ચાર બંદૂક સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી મનપ્રીત સિંહ પાકિસ્તાનના હેન્ડલર સાથે સીધા સંપર્કમાં હતો. એ આખા આ જાસૂસી ઓપરેશનને સંભાળતો હતો. તે કેમેરા ક્યાં ને કેવી રીતે ગોઠવવા તેની સૂચના આપીને કામ કરાવતો હતો. આ જાસૂસી નેટવર્કથી સૈન્યની ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હોવાથી સૈન્ય પર કોઈ મોટા હુમલાનું પણ ષડયંત્ર ઘડાઈ રહ્યાની શક્યતા નકારી શકાતી નથી.



