કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્નીએ નોંધાવી હતી FIR | telangana high court grants one week anticipatory bail to pawan khera in assam case

Pawan Khera Assam Case: તેલંગાણા હાઇકોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટી રાહત આપતા એક અઠવાડિયા માટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના પગલે આસામ પોલીસે પવન ખેડા સામે ગુનો નોંધ્યો હતો.
પવન ખેડાને એક સપ્તાહ માટે મળ્યા આગોતરા જામીન
હાઇકોર્ટના જસ્ટિસ સુજાના કલાસિકમની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ખેડાને યોગ્ય કોર્ટમાં પોતાની અરજી રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આસામ પોલીસની એક ટીમ આ કેસની તપાસ માટે દિલ્હીમાં પવન ખેડાના ઘરે પણ ગઈ હતી, પરંતુ હાઇકોર્ટના આ આદેશથી હવે તેમને હાલ પૂરતી ધરપકડમાંથી સુરક્ષા મળી ગઈ છે.
પવન ખેડા સામે BNSની વિવિધ કલમો હેઠળ પોલીસ કાર્યવાહી
પવન ખેડા સામે આસામના ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ચૂંટણીને લગતા ખોટા નિવેદનો કરવા અને છેતરપિંડી જેવી કલમોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતાએ 5 એપ્રિલના રોજ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુયાન સરમા પાસે એકથી વધુ પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ છે, જેની માહિતી મુખ્યમંત્રીએ તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી નથી.
હિમંતા બિસ્વા સરમાનો પ્રહાર
બીજી તરફ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પક્ષે દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર જ તેમના પરિવાર પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ખેડા ભલે હૈદરાબાદ ભાગી ગયા હોય, પરંતુ આસામ પોલીસ તેમને શોધી કાઢશે. હાલમાં હાઇકોર્ટ તરફથી મળેલી આ રાહતને કારણે પવન ખેડાને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે થોડો સમય મળી ગયો છે.




