ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fertiliser subsidy to Rs 41534 cr for Kharif 2026

![]()
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮
બુધવારે સરકારે ખરીફ-૨૦૨૬ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક
(પી એન્ડ કે) ખાતર પર સબસિડીમાં ૧૨ ટકાના વધારાને મંજૂરી આપી છે. આ સબસિડી ૪૧,૫૩૪ કરોડ
રૃપિયાની હશે.
આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે
વૈશ્વિક કીંમતોમાં થઇ રહેલા વધારાથી ખેડૂતોને બચાવવા માટે લેવામાં આવ્યો છે. ખરીફ
૨૦૨૫ સિઝન માટે પી એન્ડ કે ખાતર પર સબસિડી ૩૭,૨૧૬ કરોડ રૃપિયા હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ
બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં
આવનાર સબસિડીનાં દરો નક્કી કરવામાં આવ્યા છે.
ખરીફ ૨૦૨૬ માટે સરકારે નાઇટ્રોજન પર સબસિડી ૪૭.૩૨ રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૩.૦૨
પ્રતિ કિલોગ્રામ), ફોસ્ફેટ
પર ૫૨.૭૬ રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૭.૯૬ પ્રતિ કિલોગ્રામ), સલ્ફર પર ૩.૧૬
રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૨.૮૭ પ્રતિ કિલોગ્રામ) નક્કી કરવામાં આવી છે. પોટાશ
પર સબસિડી ૨.૩૮ રૃપિયા પ્રતિ કિલોગ્રામ સ્થિર રાખવામાં આવી છે.
કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ
નિર્ણયમાં રાજસ્થાન ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટની પડતરમાં મોટો વધારો કરી ૭૯,૪૫૯ કરોડ રૃપિયા
કરવાને મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે જ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)થી એડિશનલ ઇક્વિટી સહાયતાને
પણ મંજૂરી આપવામાં આવી છે કારણકે સરકાર દેશમાં રિફાઇનરિંગ અને પેટ્રોકેમિકલ
ક્ષમતાનું વિસ્તાર કરવા પર ભાર મૂકી રહી છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી
લિમિટેડ (એચઆરઆરએલ)નાં સંશોધિત પ્રોજેક્ટ ખર્ચમાં અગાઉનાં અંદાજ ૪૩,૧૨૯ કરોડ રૃપિયા
કરતા મોટા પ્રમાણમાં વધારો થયો છે.
એચપીસીએલ વધારાનું ૮૯૬૨ કરોડ રૃપિયાનું રોકાણ કરશે. જેના
કારણે આ પ્રોજેક્ટમાં તેનું કુલ ઇક્વિટી ફાળો વધીને ૧૯૬૦૦ કરોડ રૃપિયા થઇ જશે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્રીય
કેબિનેટે બુધવારે જયપુર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-૨ને મંજૂરી આપી છે. આ ૪૧ કિમી લાંબુ
કોરિડોર હશે જેમાં ૩૬ સ્ટેશન હશે. તેનો કુલ ખર્ચ ૧૩૦૦૦ કરોડ રૃપિયાથી વધારે હશે.



