કેન્સરના દર્દીઓને ઝાટકો : પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર | Cancer patients suffer blow: 300 doctors removed from PM Jan Arogya

![]()
– દેશમાં દર વર્ષે કેન્સરના ૧૫ લાખ કેસ આવી રહ્યા છે
– દેશમાં કુલ ચાર હજાર જ કેન્સર ડોક્ટરો અને તેમાથી પણ ડોક્ટરોને બહાર કરાતા નાના શહેરોમાં કેન્સરના દર્દીઓ પર વિપરીત અસર થશે
નવી દિલ્હી : દેશમાં દર વર્ષે લગભગ ૧૫ લાખ કેન્સરના મામલા સામે આવી રહ્યા છે. આમ ભારતમાં કેન્સર એક મોટી આરોગ્ય કટોકટી બની રહ્યુ છે તે જ સમયે કેટલાય રાજ્યોમાં પ્રધાનમંત્રી જન આરોગ્યની યાદીમાંથી કેટલાય કેન્સર સ્પેશ્યાલિસ્ટોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની યાદીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. તેનાથી દેશમાં એક વધુ આરોગ્ય કટોકટી સર્જાઈ શકે છે.
આ રાજ્યોમાં લેવાયેલા પગલાંના લીધે વધુને વધુ લોકો કેન્સરના લીધે મોતના મોઢામાં જઈ શકે છે. હવે સવાલ એ છે કે આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવી રહ્યો છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે આ ડોક્ટરો પાસે પૂરતો અનુભવ અને તાલીમ તો છે, પરંતુ તેમની પાસે નેશનલ મેડિકલ કમિશન માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી. આ ડિગ્રીઓમાં એમડીની ડિગ્રી પણ સામેલ છે.
પેનલમાંથી હટાવવામાં આવેલા ડોક્ટરોને તે આધારે બહાર કરવામાં આવ્યા છે કે તેમણે ફેલોશિપ લઈને ખાનગી ક્ષેત્રમાંથી તાલીમ લીધી છે. આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે તેમનો નિર્ણય ખોટો છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક દાયકા પહેલા ઓન્કોલોજી માટે આ એક જ પદ્ધતિ હતી. પણ ત્યાં સુધી કોઈ ઔપચારિક કોર્સ હોતા ન હતા.
આજે પણ ડિગ્રીઓ લીધા પછી તે વાતને પ્રાધાન્ય આપવામાં આવે છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ડોક્ટર કોઈ કેન્સર હોસ્પિટલમાં બેથી ત્રણ વર્ષ ફેલોશિપ પર કામ કરે. આ દરમિયાન તે સર્જરી અંગે જાણે છે અને તેમની પૂરતી તાલીમ થાય છે. આ નિર્ણય ખાસ કરીને એવા લોકોની તકલીફ વધારી દેશે જે સારવાર માટે ખાસ કરીને કેન્દ્ર સરકારની જન આરોગ્ય યોજના હેઠળ બનતા આયુષ્યમાન કાર્ડ પર આધારિત છે. આ રીતે જોતાં નબળા વર્ગને મોટો ઝાટકો લાગશે.
ભારતમાં આમ પણ કેન્સરના ડોકટરોની કમી છે. એક અંદાજ મુજબ દર દસ લાખની વસ્તીએ એક કેન્સર ડોક્ટર છે. પીએમ જન આરોગ્ય પેનલમાંથી જે ડોક્ટરોને દૂર કરવામાં આવ્યા છે તેમા ઘણા જાણીતા ડોક્ટરો પણ છે. કેટલાક કેન્સર સાથે જોડાયેલા વિભાગોના હેડ છે. આ સિવાય કેટલાક ડોક્ટર તો મેડિકલ ડાયરેક્ટર, ટીચર અને સીનિયર સર્જન વગેરે પણ છે. દેશમાં લગભગ આવા ૩૦૦ ડોક્ટરોને પેનલમાંથી હટાવાયા હોવાની વાત સામે આવી રહી છે. દેશમાં હાલમાં કુલ ચાર હજાર કેન્સર ડોક્ટર જ છે. હવે તેમા પણ જો ૩૦૦ ડોક્ટરોને બહાર કરવામાં આવે તો તો આ મોટો ઝાટકો છે. તેના લીધે ખાસ કરીને બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોના દર્દીને વધુ નુકસાન થશે.



