ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું…! | Vehicles were filled with water instead of petrol at a petrol pump in Greater Noida

![]()
અનેક વાહનોના એન્જિન બંધ પડી જતાં ચાલકોનો પંપ ખાતે હંગામો
ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં પરી ચોકની પાસે ઐચેર સ્થિત એક પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપવામાં આવતા ૨૦ થી ૨૫ વાહનો ખરાબ થઈ ગયા હતા, જેના પરિણામે ગ્રાહકોએ બરાબર હંગામો કર્યો. માહિતી મળતાં સ્થળ પર ધસી ગયેલી પોલીસે મામલો શાંત પાડયો હતો.
ગ્રેટર નોઈડાના બીટા ટુ પોલીસ મથક અંતર્ગત આવેલા સેકટર પાઈ વન સ્થિત ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ ખાતે ગઈકાલે શનિવારે બપોરે બનેલા આ બનાવમાં પેટ્રોલ પંપની ટેન્કમાં લીકેજના પરિણામે એમાં પાણી ઘૂસી ગયું હતું. આ હકીકતથી અજાણ પેટ્રોલ પંપના કર્મીઓએ પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોના વાહનોમાં પાણીવાળું પેટ્રોલ ભરી દીધું.
આવું પેટ્રોલ ભરાવીને પંપની બહાર નીકળેલા વાહનો થોડે સુધી જઈને બંધ પડી ગયા. આથી ગ્રાહકોએ પાછા પેટ્રોલ પંપ પર આવીને ફરિયાદ કરતા પંપના મેનેજરે કરેલી તપાસમાં ટેન્કમાં પાણી ઘૂસ્યું હોવાની સ્પષ્ટતા થઈ.
આથી ભડકેલા ગ્રાહકોએ પેટ્રોલ પંપ પર હો….હા….કરી મૂકી ઘટનાસ્થળે બોલાવાયેલી પોલીસે દરમિયાનગીરી કરીને લોકોને શાંત કર્યા અને બનાવની તપાસ શરૂ કરી.
વાહનોની પેટ્રોલ ટેન્કમાં પાણી ભરાતાં ચાર કાર તથા છ મોટરસાઈકલ સહિત ૨૦ થી ૨૫ વાહનો ખરાબ થઈ ગયા હતા. પેટ્રોલ પંપ ખાતે કામ કરતા આઈજીએલ(ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ) ના એક ટેકનિશિયન સંદીપે જણાવ્યું હતું કે, પંપ ખાતે પેટ્રોલથી ભરેલું ટેન્કર આવ્યું હતું, જેને પાછું લઈ જતી વખતે પાણીનો પાઈપ તૂટી ગયો હતો.
વરસાદનું પાણી આ પાઈપમાં ઘૂસી ગયું હતું, જેના પગલે પેટ્રોલમાં પાણીની ભેળસેળ થઈ ગઈ હતી.



