ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TMC’s fear of Mahajungalraj: Modi

![]()
બંગાળમાં જજો જ સુરક્ષીત ના હોય તો આમ નાગરિકો શું અપેક્ષા રાખે
ચૂન ચૂન કે હિસાબ હોગા : સત્તા પરિવર્તન બાદ ટીએમસીના ગુંડાઓને જેલભેગા કરવાની વડાપ્રધાનની ખાતરી
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ કહ્યું હતું કે માલદામાં જજોનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો તે પરથી સ્પષ્ટ થાય છે કે બંગાળમાં હાલ જંગલરાજ ચાલી રહ્યું છે. બંગાળની આ ચૂંટણી સત્તાધારી પક્ષ ટીએમસીના ‘ભય’ની સામે ભાજપના ‘ભરોસા’ની છે. મોદીએ કહ્યું હતું કે ટીએમસીના ભયની સામે ભાજપના ભરોસાની જીત થશે.
બંગાળના કૂચ બિહારમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મમતા બેનરજીની અત્યંત ઘાતકી સરકાર દરરોજ બંગાળની પવિત્ર ધરતી પર લોકશાહી પર લોહીના ડાઘ લગાવી રહી છે. આ સરકાર કોઇ પણ બંધારણીય સંસ્થાની ચિંતા નથી કરી રહી. બેથી ત્રણ દિવસ પહેલા જ આખા દેશે જોયું કે કેવી રીતે માલદામાં જજોને બંધક બનાવી રખાયા હતા. આ કેવા પ્રકારની સરકાર છે? આ કેવી વ્યવસ્થા છે કે જ્યાં જજો પણ સુરક્ષિત નથી? એવામાં બંગાળ સરકાર પાસેથી સામાન્ય નાગરિકો સુરક્ષાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? જે પણ લોકો જવાબદાર છે તેમનો હિસાબ થશે મોદીએ કહ્યું હતું કે ચૂન ચૂન કે હિસાબ હોગા.
મોદીએ કહ્યું હતું કે માલદામાં જે કઇ થયું તે માત્ર ટીએમસીનો ઘમંડ નથી, પરંતુ ટીએમસી દ્વારા ફેલાવાયેલુ મહા જંગલરાજ છે. જ્યારે પણ ન્યાયનો ફંદો ટીએમસીની આસપાસ આવે છે ત્યારે મમતા સરકાર બંધારણીય સંસ્થાઓનું ગળુ દબાવવા પ્રયાસ કરે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી રહી છે. ટીએમસી એસઆઇઆર અને સીએએનો વિરોધ માત્ર ઘુસણખોરોને બચાવવા માટે જ કરી રહી છે. ટીએમસી ઇચ્છે છે કે હિન્દુઓને સીએએ હેઠળ ભારતની નાગરિકતા ન મળે. ટીએમસીના ૧૫ વર્ષના શાસનમાં બંગાળની સરહદોની ભૌગોલિક પરિસ્થિતિ સાવ બદલાઇ ગઇ છે. સત્તામાં પરિવર્તન આવ્યા બાદ એક એકનો હિસાબ કરાશે.



