એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન | anjali damania eknath shinde ashok kharat calls rupali chakankar cdr allegations

Eknath Shinde Ashok Kharat calls: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ એક મોટો વિવાદ છેડાયો છે. સામાજિક કાર્યકર અંજલિ દામણિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દામણિયાનો દાવો છે કે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત સાથે રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ સંપર્કમાં હતા. તેમણે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના મોબાઈલ પરથી ખરાતને 17 વખત કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી લાંબી વાતચીત 21 મિનિટ સુધી ચાલી હતી. આ 17 કોલમાંથી 10 ઇનકમિંગ અને 7 આઉટગોઇંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
અંજલિ દામણિયાએ કોલ ડિટેલ જાહેર કરતા ખળભળાટ
આ વિવાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એનસીપી(NCP) નેતા રૂપાલી ચાકણકર અંગે થયો છે. અંજલિ દામણિયાએ કોલ ડિટેલ રેકોર્ડ(CDR) સોશિયલ મીડિયા પર શેર કરતા આક્ષેપ કર્યો કે રૂપાલી ચાકણકરે ખરાત સાથે કુલ 177 વખત વાત કરી છે, જેનો કુલ સમયગાળો 33,727 સેકન્ડ જેટલો થાય છે. એટલું જ નહીં, રૂપાલીની બહેન પ્રતિભાએ પણ ખરાતને 236 કોલ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ પણ ખરાત સાથે 8-8 વખત ફોન પર વાત કરી હોવાના આક્ષેપ દામણિયાએ લગાવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત
ખરાતનો ગુનાહિત ઇતિહાસ
અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ 10 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે, જ્યારે બે કેસ છેતરપિંડી અને ખંડણીના છે. આ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે રાજકીય નેતાઓની આટલી લાંબી વાતચીત પાછળનો હેતુ શું હતો, તે અંગે દામણિયાએ સ્પષ્ટતાની માંગ કરી છે. બીજી તરફ, શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ ધીરજ રાખવી જોઈએ, સત્ય જલ્દી સામે આવશે. તેમણે વિરોધ પક્ષો પર આ મુદ્દાને રાજકીય રંગ આપીને આરોપી ખરાતને બચાવવાનો પ્રયાસ કરવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે.




