બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for nine hours

![]()
– મતદાર યાદીમાંથી નામ રદ થઇ જતા ટોળું બેકાબુ બન્યું, ઓફિસરોનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન
– સુપ્રીમના આકરા આદેશ બાદ સમગ્ર ઘટનાની તપાસ એનઆઇએને સોંપાઇ, ૧૮થી વધુની ધરપકડ : મમતાની મુશ્કેલી વધી
– સાંજે ચાર વાગ્યે બંધક બનાવ્યા હતા, રાત્રે એક વાગ્યા સુધી કોઇ છોડાવવા ના આવ્યું, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની દખલ બાદ પોલીસ પહોંચી
– બંગાળ જેટલુ વિભાજિત રાજ્ય નથી જોયું, રાત્રે બે વાગ્યા સુધી સ્થિતિ પર નજર હતી : સીજેઆઇ
કોલકાતા/નવી દિલ્હી : ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ સામે આવ્યો છે, રાજ્યના માલદા વિસ્તારમાં એસઆઇઆર પ્રક્રિયામાં સામેલ સાત જજોને સ્થાનિકો દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હતા, જેને પગલે સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે દેશમાં આટલું વિભાજિત રાજ્ય અમે નથી જોયું. હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે નવ કલાક સુધી બંધક બનાવાયેલા સાત જજોને પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસના વાહનો પર સ્થાનિકોએ ભારે પથ્થરમારો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં મતદારોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે જેમાં કુલ ૬૩ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નખાયા હતા, જ્યારે અન્ય ૬૦ લાખ જેટલા મતદારોને તપાસ હેઠળ રાખવામાં આવ્યા, આ ૬૦ લાખ મતદારોને પુરાવા રજુ કરવા તક અપાઇ હતી. જે માટેની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જજોને સામેલ કરવામાં આવ્યા છે. આવી જ એક પ્રક્રિયા પશ્ચિમ બંગાળના માલદામાં ચાલી રહી હતી, જેમાં સામેલ થવા માટે સાત જેટલા જજો પહોંચ્યા હતા. સૌથી પહેલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ બીડીઓ બહાર હજારો લોકો એકઠા થઇ ગયા હતા, તેઓએ મતદાર યાદીમાંથી નામ હટાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા.
વેરિફિકેશનમાં સામેલ જજોને મળવા દેવાની ના પડાતા જ ટોળું વિફર્યું
પ્રદર્શનકારીઓએ ન્યાયિક અધિકારીઓની સાથે મુલાકાત કરવાની માગણી કરી હતી, જોકે તેમની માગણી સ્વીકારવામા ંના આવી, પરિણામે રોષે ભરાયેલા લોકો દ્વારા સાંજે ચાર વાગ્યા આસપાસ બીડીઓ ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો. આ દરમિયાન ત્રણ મહિલા સહિત સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવી લેવામાં આવ્યા અને બહાર ના જવા દેવાયા. સમગ્ર મામલાની જાણકારી થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને ભારે મહેનત બાદ મોડી રાત્રે એેક વાગ્યા પછી તમામ જજોને છોડાવી લેવામાં આવ્યા હતા.
જજોને છોડાવવા આવેલી પોલીસના વાહનો પર પથ્થરમારો
જ્યારે પોલીસ આ જજોને પોતાના વાહનોમાં સુરક્ષિત લઇ જવા પ્રયાસ કરી રહી હતી ત્યારે સ્થાનિકો દ્વારા પોલીસના વાહનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાકે પોલીસના વાહનનો પીછો કર્યો હતો જ્યારે રસ્તામાં ફર્નિચર લગાવીને બ્લોક કરી દેવાયા હતા. નેશનલ હાઇવે નંબર ૧૨ પર આ સમગ્ર હંગામો જોવા મળ્યો, કેટલાક તો રોડ પર જ ચુલો લગાવીને ભોજન બનાવવા લાગ્યા હતા. જે લોકોએ જજોને ઘેરીને બંધક બનાવી લીધા તેઓ મતદાર યાદીમાંથી પોતાનું નામ રદ કરી દેવાને કારણે રોષે ભરાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે પ્રશાસનને કાર્યવાહી કરવા કહ્યું ત્યારે આ જજોને છોડાવવા પોલીસ દોડતી થઇ હતી.
અમને કોઇ જાણકારી જ નથી તેવા વહેમમાં સરકાર ના રહે : સુપ્રીમ
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મતદારોના વેરિફિકેશન પ્રક્રિયામાં વર્તમાન અને પૂર્વ જજોની પસંદગી કરવામાં આવી છે જેઓને જે મતદારોનું નામ લિસ્ટમાં નથી પરંતુ પુરાવા રજુ કરવાની તક આપી છે તેમની ખરાઇ કરવા અને તેેઓ મતદાર યાદીમાં રહેવાને લાયક છે કે કેમ તેનો નિર્ણય લેવા કહ્યું હતું. પરિણામે ન્યાયિક અધિકારીઓ પર જ હુમલા થતા અને તેમને બંધક બનાવી લેતા સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારનો ઉધડો લીધો હતો. પશ્ચિમ બંગાળ સરકારના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા બાદમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મિસ્ટર એડવોકેટ જનરલ દુ:ખદ બાબત છે કે તમારા રાજ્ય બંગાળમાં તમે તમામ લોકો રાજકીય ભાષા બોલી રહ્યા છે. જે બહુ જ દુ:ખદ બાબત છે, અમે ક્યારેય આટલુ વિભાજિત રાજ્ય નથી જોયું. મે આ સમગ્ર ઘટના પર રાત્રીના બે વાગ્યા સુધી નજર રાખી હતી. બંગાળ સરકાર એવા વહેમમાં ના રહે કે અમને કોઇ જાણકારી જ નથી.
રાજનેતાઓ, કલેક્ટર ઘટના સ્થળે કેમ ના પહોંચ્યા? : સીજેઆઇ સૂર્યકાંત
અરજદારો તરફથી હાજર વકીલ મેનકા ગુરૂસ્વામીએ સુપ્રીમને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન બિનરાજકીય હતા, બાદમાં જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે જો વિરોધ પ્રદર્શન બિનરાજકીય હતા તો પછી રાજનેતાઓ શું કરી રહ્યા હતા? રાજનેતાઓની જવાબદારી નહોતી કે તેઓ સ્થળ પર પહોંચે અને પરિસ્થિતિની જાણકારી મેળવે? કોઇ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઇ રહ્યું છે, કલાકો સુધી લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઇને જજોનો ઘેરાવ કરતા રહ્યા, આ સમયે તમારા સ્થાનિક કલેક્ટર પણ સ્થળ પર નહોતા પહોંચ્યા. જે કઇ થયું તે સામાન્ય નહીં પણ ઇરાદાપૂર્વક અંજામ અપાયેલી ઘટના હતી, જેનો ઉદ્દેશ્ય એસઆઇઆર પ્રક્રિયામાં જોડાયેલા જજોનું મનોબળ તોડવાનો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્યના પોલીસ વડા ડીજીપી, મુખ્ય સચિવ સહિત ટોચના અધિકારીઓને કારણ બતાવો નોટિસ ફટકારી છે.
કાયદો વ્યવસ્થા ચૂંટણી પંચના હાથમાં, મને કોઇએ ઘટનાની જાણ જ નહોતી કરી : મમતા
કોલકાતા : માલદામાં સાત જજોને નવ કલાક બંધક બનાવી રાખવાની ઘટના મુદ્દે ઘેરાયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિચિત્ર બચાવ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે મને કોઇએ જજોને માલદામાં બંધક બનાવવાની ઘટના અંગે જાણ જ નહોતી કરી, ચૂંટણી પંચે રાજ્યના ટોચના અધિકારીઓની બદલી કરી નાખી છે મને એવુ લાગી રહ્યું છે કે સ્ટેટ મશીનરી હવે મારા હાથમાં નથી રહી. મમતાએ દાવો કર્યો હતો કે હાલમાં સમગ્ર એડમિનિસ્ટ્રેશન જ મારા હાથમાં નથી, રાજ્યમાં ચૂંટણી પંચ જ કાયદો અને વ્યવસ્થા સંભાળી રહ્યું છે જે માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું જ સાંભળે છે.
તમામ અધિકારીઓને બદલી નખાયા છે, મારી પાસે જે સત્તા હતી તે ચૂંટણી પંચને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મને મધરાતે એક પત્રકાર દ્વારા આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી. લોકો કેમ ગુસ્સામાં છે તે હું સમજી શકું છું, માલદામાં જે ઘટના બની તે ભાજપના કાવતરાનો ભાગ છે, ભાજપ બંગાળમાં ચૂંટણી રદ કરાવીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવવા માગે છે.
બંગાળમાં સરની કામગીરીમાં સામેલ ૭૦૦ જજોની સુરક્ષા સહિતના સુપ્રીમના આદેશ
નવી દિલ્હી :
-બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયામાં સામેલ તમામ ૭૦૦થી વધુ જજો કે ન્યાયિક અધિકારીઓ અને તેમના પરિવારની સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે.
-રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ જજોની કામગીરી પર કોઇ અસર ના થવી જોઇએ.
– સીબીઆઇ અથવા એનઆઇએ કોઇ પણ સ્વતંત્ર એજન્સી પાસે ઘટનાની તપાસ કરવામાં આવે તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે.
-જ્યારે મતદારોનું નામ કમી કરવાના વાંધાઓ પર સુનાવણી થતી હોય ત્યારે માત્ર બેથી પાંચ જ વ્યક્તિ સ્થળે પ્રવેશ કરશે તેની પોલીસે તકેદારી રાખવાની રહેશે.



