SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ | west bengal election 2026 malda violence judicial officers hostage voter list dispute

![]()
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ તંગ બન્યું છે. માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં મતદાર યાદીના મુદ્દે ગ્રામીણોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બુધવારે સાંજે સાત ન્યાયિક અધિકારીઓને આઠ કલાક સુધી એક કચેરીમાં ઘેરી રાખી બંધક બનાવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ અધિકારીઓ મતદાર યાદીની તપાસ માટે પહોંચ્યા હતા. જ્યારે અધિકારીઓ સાંજે 4 વાગ્યે ઓફિસથી નીકળવા લાગ્યા, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામીણોએ ગેટ પાસે ધરણા પ્રદર્શન શરૂ કર્યું. ગ્રામીણોનો આરોપ છે કે વિસ્તારના 1 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. દસ્તાવેજો આપવા છતાં પણ અન્યાય થયો હોવાનું લોકોનું કહેવું છે. મોડી રાત્રે પોલીસે અધિકારીઓને છોડાવ્યા ત્યારે ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો હતો. સદનસીબે કોઈ ઈજા થઈ નથી.
નેશનલ હાઈવે જામ, રસ્તા પર જ રસોઈ!
વિરોધ એટલો ઉગ્ર હતો કે પ્રદર્શનકારીઓએ NH-12 ને અનેક જગ્યાએ જામ કરી દીધો હતો. રસ્તા પર વાંસ, તૂટેલા કાચ અને ફર્નિચર મૂકીને ટાયરો સળગાવવામાં આવ્યા હતા. સ્થિતિ એવી હતી કે કેટલાક લોકો રસ્તા પર જ ખાવાનું બનાવતા જોવા મળ્યા હતા. સુજાપુરથી શરૂ થયેલો આ વિરોધ જલાલપુર અને મોથાબારી સુધી ફેલાઈ ગયો હતો.
ટ્રિબ્યુનલ મુદ્દે નારાજગી
સ્થાનિકોનો દાવો છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્યમાં 19 ટ્રિબ્યુનલ સ્થાપવા નિર્દેશ આપ્યો હતો. જેથી લોકો પોતાની અપીલ કરી શકે, પરંતુ હજુ સુધી આ ટ્રિબ્યુનલ શરૂ થયા નથી. ન્યાય ન મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
રાજકીય પ્રતિક્રિયા અને ચૂંટણીની વિગત
મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જિલ્લા વહીવટીતંત્ર પાસે આ અંગે તાકીદનો રિપોર્ટ માંગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કર્યો છે.
ચૂંટણી કાર્યક્રમ
પ્રથમ તબક્કો: 23 એપ્રિલ 2026
બીજો તબક્કો: 29 એપ્રિલ 2026
પરિણામ: 4 મે 2026



