‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદમાં ચર્ચાની કરી માંગ | Priyanka Gandhi Demands Parliament Discussion on Middle East Crisis Slams PM Modi Over Safety Plan

![]()
Congress On Middle East War : યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે (30 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી કહ્યું કે, યુદ્ધ જેવા મુદ્દે રાજકારણ કરવું યોગ્ય નથી. તેમણે સવાલ કર્યો છે કે, ખાડીમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકારે શું યોજના બનાવી છે?
યુદ્ધ અને સંકટ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ : પ્રિયંકા ગાંધી
લોકસભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીનું કહેવું હતું કે, મધ્ય પૂર્વ બોંબ વરસી રહ્યા હોવાથી અનેક લોકોના જીવને ખતરો છે. આ મુદ્દે વડાપ્રધાન શું કરી રહ્યા છે, લોકોને સુરક્ષિત બહાર લાવવાનો પ્લાન શું છે? યુદ્ધ અને સંકટ જેવા મુદ્દાઓ પર રાજકારણ કરવું યોગ્ય નથી. આ ગંભીર સંકટ વચ્ચે આખો દેશ એકજૂટ છે, પરંતુ સમસ્યાનું સમાધાન લાવવું પણ જરૂરી છે. જો આ મુદ્દે સૂચનો જોઈએ કે સમાધાન લાવવું હોય તો તે માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ.
ઓઇલ-ગેસ સંકટ પર પ્રિયંકાએ શું કહ્યું?
પ્રિયંકા ગાંધીએ વર્તમાન સંકટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જેમ જેમ યુદ્ધ લંબાઈ રહ્યું છે, તેમ તેમ સમસ્યા વધી રહી છે. આજે ગેસ સિલિન્ડર એટલા બધા મોંઘા થઈ ગયા છે કે, કોઈ ખરીદી શકતા નથી. ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે. આવી સ્થિતિમાં સરકાર પાસે સમસ્યા ઉકેલવાનો શું પ્લાન છે?
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન
રવિવારે કેરળમાં જનસભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાડીમાં ચાલી રહેલા યુદ્ધની ભારત પર અસરો ઘટાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ તમામ દેશોના નેતાઓના સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ રહી છે.
પ્રિયંકા ગાંધીના આરોપોના જવાબમાં પીએમ મોદીએ કોંગ્રેસ કટાક્ષ કરી કહ્યું કે, કોંગ્રેસના નિવેદનો ખાડીમાં રહેતા ભારતીયો માટે ખતરનાક છે. કોંગ્રેસ લગભગ એક કરોડ ભારતીયોનો જીવ જોખમમાં નાખીને રાજકીય લાભ ઉઠાવવા માંગે છે.



