मनोरंजन

43 વર્ષના સ્ટાર અભિનેતાનું ડૂબવાથી મોત, ‘ભોલેબાબા પાર કરેગા’ની શૂટિંગ દરમિયાન દુર્ઘટના | bengali actor rahul arunoday banerjee dies drowning in digha



Bengali actor Rahul Arunoday Banerjee death: બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત આઘાતજનક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, એક સિરિયલના શૂટિંગ દરમિયાન દીઘા ખાતે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચારથી માત્ર તેમના પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર ટોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

દરિયાકિનારે ટહેલતી વખતે સર્જાયો અકસ્માત

રાહુલ બેનર્જી હાલમાં લોકપ્રિય સિરિયલ ‘ભોલે બાબા પાર કરેગા’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. આ સિરિયલના શૂટિંગ માટે આખી યુનિટ દીઘા પાસે આવેલા તલસારી પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પૂર્ણ થયા બાદ રાહુલ સિરિયલની મુખ્ય અભિનેત્રી સાથે દરિયાકિનારે ટહેલવા અને પાણીની મજા માણવા ગયા હતા. આ દરમિયાન તેઓ અચાનક દરિયાના મોજાની લપેટમાં આવી ગયા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યાં હાજર ટેકનિશિયનોએ તેમને ડૂબતા જોઈ તાત્કાલિક બચાવવા માટે દોડી ગયા હતા અને તેમને કોઈક રીતે બહાર કાઢ્યા હતા.

ફેડરેશન દ્વારા અભિનેતાના નિધનની પુષ્ટિ

ફેડરેશન વતી દિગંત બાગચીએ આ દર્દનાક ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે રાહુલને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી કે તેમનું મોત ડૂબવાને કારણે થયું છે કે પછી અચાનક હાર્ટ અટેક આવવાને કારણે. પૂર્વ મેદનીપુર જિલ્લા પોલીસ અને એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ આતિશ બિસ્વાસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ મોત ડૂબવાને કારણે થયું હોય તેમ લાગે છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. કાયદાકીય પ્રક્રિયા અને ઓટોપ્સી બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે.

સીએમ મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અભિનેતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘મને સમજાતું નથી કે આ બધું કેવી રીતે બની ગયું? તે મારા મનપસંદ કલાકારોમાંના એક અને ખૂબ જ સારા માણસ હતા.’

આ પણ વાંચો: વિજય વર્માની મટકા કિંગ સીરિઝ એપ્રિલમાં રજૂ થશે

થિયેટર અને ‘ખેલ’ સિરિયલથી મેળવી ઓળખ

રાહુલ અરુણોદય બેનર્જી ટોલિવૂડનો જાણીતો ચહેરો હતા. તેમણે કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી અને ઝી બાંગ્લાના પોપ્યુલર પ્રોગ્રામ ‘ખેલ’માં આદિત્યનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ રાજ ચક્રવર્તીની ફિલ્મ ‘ચિરદિની તુમી જે આમાર’ દ્વારા તેમણે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, જેના ગીતો આજે પણ ફેમસ છે. આ ફિલ્મમાં તેમની સાથે તેમની રિયલ લાઈફ પત્ની પ્રિયંકા સરકાર પણ હતી. આ સિવાય તેમણે ‘હરગૌરી પૈસે હોટલ’ જેવી સિરિયલો અને સફળ પોડકાસ્ટ પ્રોગ્રામ ‘સહજ કથા’ દ્વારા પણ દર્શકોના દિલ જીત્યા હતા. લાંબા બ્રેક બાદ તેમણે ફરી સિરિયલોમાં વાપસી કરી હતી, પરંતુ આ અકસ્માતે તેમના જીવનનો અંત આણી દીધો છે.


43 વર્ષના સ્ટાર અભિનેતાનું ડૂબવાથી મોત, 'ભોલેબાબા પાર કરેગા'ની શૂટિંગ દરમિયાન દુર્ઘટના 2 - image





Source link

Related Articles

Back to top button