दुनिया

Explainer: એપસ્ટિન કેસમાં વળાંક: ગુનાનો ગઢ બનેલા એકાંકી ફાર્મહાઉસ ‘ટક્ડ અવે’નું રહસ્ય આવ્યું સામે, જેલથી થયો મોટો ખેલ? | ghislaine maxwell tucked away ubs bank epstein case explained


Ghislaine Maxwell Epstein case explained: અમેરિકાના શાંત ગ્રામ્ય વિસ્તારમાં એક ફાર્મહાઉસ ઊભેલું છે. 156 એકરમાં ફેલાયેલા આ વૈભવી ફાર્મહાઉસનું નામ છે ‘ટક્ડ અવે’. એકદમ યોગ્ય નામ છે, કેમ કે નામનો પડઘો પાડે એ જ રીતે આ ફાર્મહાઉસ દુનિયાથી દૂર ‘છુપાયેલું’ છે. રૂડા-રૂપકડા લાગતા આ ફાર્મહાઉસની પાછળની વાસ્તવિકતા કોઈ સસ્પેન્સ થ્રિલર વાર્તાથી ઓછી નથી. આ ફાર્મહાઉસ હતું ઘિસ્લેન મેક્સવેલનું! એ જ સ્ત્રી જે કુખ્યાત અપરાધી જેફરી એપ્સટિનના કાળા કર્મોની મુખ્ય સાથીદાર હતી. નવાઈની વાત એ છે કે ઘિસ્લેને જે પૈસાની આ પ્રોપર્ટી ખરીદી હતી એ એને સ્વિસ બેન્કની મહેરબાનીથી મળ્યા હતા. ધરપકડથી બચવા માટે ઘિસ્લેન આ જ ફાર્મહાઉસમાં છુપાઈ હતી.

થ્રિલર ફિલ્મમાં દેખાડે એવી ચાલાકી અજમાવી છતાં ઝડપાઈ ગઈ 

ડિસેમ્બર, 2019માં જ્યારે આ મિલકત ખરીદવામાં આવી, ત્યારે કોઈને શંકા ન પડી, કારણ કે ખરીદનારે પોતાની ઓળખ ‘જેનેટ માર્શલ’ તરીકે આપી હતી, જે એક પત્રકાર હોવાનો દાવો કરતી હતી. એ હતી ઘિસ્લેન મેક્સવેલની ચાલાકી. જુલાઈ, 2020માં એફબીઆઈ જ્યારે આ ફાર્મહાઉસ પર દરોડા પાડવા માટે પહોંચી ત્યારનું દૃશ્ય કોઈ થ્રિલર ફિલ્મમાં દેખાડે એના જેવું હતું. 

ફાર્મહાઉસ સુધી પહોંચવા માટે પાકો રસ્તો પણ નહોતો. અડધો માઇલ લાંબો ધૂળિયો રસ્તો પાર કરીને જ ફાર્મહાઉસ સુધી પહોંચી શકાતું હતું. ઘિસ્લેને પોતાનો મોબાઇલ ફોન પણ એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટી રાખ્યો હતો, જેથી તેનું લોકેશન ટ્રેક ન કરી શકાય. તેણે પોતાની સુરક્ષા માટે ભૂતપૂર્વ બ્રિટિશ આર્મીના જવાનોની એક ટીમ તૈયાર કરીને ફાર્મહાઉસમાં તહેનાત કરી રાખી હતી. આટલી બધી સાવચેતી છતાં ઘિસ્લેન કાયદાના હાથમાં ઝડપાઈ ગઈ. 

UBS બેન્કે કેવી રીતે આપી ‘ગુપ્ત’ મદદ?

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા બહાર પડાયેલા દસ્તાવેજોમાં એક ખુલાસો થયો છે જેણે બેન્કિંગ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. આ ફાર્મહાઉસ ખરીદવા માટે જે પૈસા વપરાયા હતા, તે સ્વિસ બેન્કિંગ જાયન્ટ UBS(યુનિયન બેન્ક ઓફ સ્વિત્ઝર્લેન્ડ) મારફતે આવ્યા હતા. ઓગસ્ટ, 2019માં અમેરિકન તપાસ એજન્સીઓએ UBSને એક ગુપ્ત કાનૂની સમન્સ મોકલ્યો હતો, જેમાં ઘિસ્લેનના તમામ નાણાકીય વ્યવહારોની માહિતી માંગવામાં આવી હતી. એના થોડા જ દિવસોમાં એપ્સટિનનું જેલમાં મૃત્યુ થયું. સમન્સ મળ્યા પછી UBSએ ઘિસ્લેનને ઇમેઇલ કરીને કહ્યું કે તેનું ખાતું એક મહિનામાં બંધ કરી દેવામાં આવશે. પરંતુ સૌથી આશ્ચર્યજનક ઘટના નવેમ્બર, 2019માં બની, જ્યારે સમન્સ મળ્યાના ત્રણ મહિના પછી પણ UBSએ ઘિસ્લેન જેની સાથે જોડાયેલી હતી એ ખાતામાંથી લગભગ $8 મિલિયન ડોલર ટ્રાન્સફર કર્યા.

નાણાંની હેરાફેરી કઈ રીતે થઈ? 

આ $8 મિલિયન ડોલર એક સીધી લાઇનથી ઘિસ્લેનના ફાર્મહાઉસ સુધી નહોતા પહોંચ્યા, બલકે તેને એક જટિલ નાણાકીય ભૂલભૂલામણી વડે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

– 12 નવેમ્બર, 2019ના રોજ UBSએ ‘મોન્ટપેલિયર ટ્રસ્ટ’ નામના ખાતામાંથી ભંડોળ ઉપાડ્યું. આ ટ્રસ્ટ ઘિસ્લેને જ બનાવ્યું હતું અને તેના ટ્રસ્ટી તેના તત્કાલીન પતિ સ્કોટ બોર્ગર્સન હતા.

– પૈસા બોર્ગર્સન દ્વારા સંચાલિત TD અમેરીટ્રેડના ખાતામાં ગયા.

– ત્યાંથી પૈસા બીજા એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર થયા. આ ટ્રસ્ટે ન્યૂ હેમ્પશાયરમાં આવેલ આ ગુપ્ત ફાર્મહાઉસ ‘ટક્ડ અવે’ની ખરીદી કરી.

આ સમગ્ર પ્રક્રિયા એવા સમયે થઈ રહી હતી જ્યારે UBS અમેરિકન એજન્સીઓ સાથે ઘિસ્લેનના કેસની તપાસ સંબંધિત દસ્તાવેજોની ચર્ચા કરી રહ્યું હતું. એટલે કે ક્લાયન્ટ ગુનેગાર હોવાનું જાણતી હોવા છતાં UBS ક્લાયન્ટનો સાથ આપતી રહી.

શું શ્રીમંત ગુનેગારો માટે બેન્કોના અલગ નિયમો છે?

આ કિસ્સામાં બેન્કની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે જ્યારે બેન્કોને ગુપ્ત તપાસની જાણ થાય છે, ત્યારે તેઓ શંકાસ્પદ ગ્રાહકોના પૈસા ફ્રીઝ કરવાના બહાના શોધે છે. પરંતુ અહીં આવું કંઈ થયું નહીં. એપ્સટિનની સંપત્તિની તપાસ કરનાર સેનેટર રોન વાયડન આનું કારણ સ્પષ્ટ કરતા કહે છે કે, અબજોપતિ હોય એવા ગુનેગારો સાથે બેન્કો આંખ આડા કાન કરે છે, કારણ કે તેમને ડર હોય છે કે ગ્રાહકો તેમના લાખો ડોલર બીજી બેન્કમાં ટ્રાન્સફર કરી દેશે. 

એપ્સટિન અને ઘિસ્લેનના નામ ગુનામાં ઉછળ્યાં એ પછી પણ UBS, ડોઇશ બેન્ક, મોર્ગન સ્ટેનલી અને બાર્કલેઝ જેવી મોટી બેન્કોએ એ બંનેને સેવાઓ આપવાની ચાલુ રાખી હતી. એક ઉદાહરણ જોઈએ તો ઘિસ્લેને એપ્સટિનની ધરપકડ પછી તેના બાર્કલેઝ એકાઉન્ટમાંથી 6 લાખ ડોલરથી વધુ રકમ UBSમાં ટ્રાન્સફર કરી હતી.

આ પણ વાંચો: યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી: ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો

શંકાસ્પદ વ્યવહારનો રિપોર્ટ

ઓક્ટોબર, 2020 સુધીમાં ઘિસ્લેન અને તેના પતિની કુલ સંપત્તિ લગભગ $22.5 મિલિયન હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમાંનો મોટો હિસ્સો મેનહટનમાં $15 મિલિયનમાં વેચાયેલા એક વૈભવી ફાર્મહાઉસમાંથી આવ્યો હતો. કાયદા પ્રમાણે કોઈપણ શંકાસ્પદ વ્યવહારના 30 દિવસમાં બેન્કોએ શંકાસ્પદ પ્રવૃત્તિ અહેવાલ(SAR) ફાઇલ કરવો ફરજિયાત છે. તપાસ દરમિયાન મળેલા ઇમેઇલ્સ દર્શાવે છે કે એક SARમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ન્યૂ હેમ્પશાયરનું આ ફાર્મહાઉસ માનવ તસ્કરીના પૈસાથી ખરીદવામાં આવ્યું હતું. જોકે, ઘિસ્લેન મેક્સવેલની ધરપકડ બાદ જ UBSએ તેના $18 મિલિયનના વ્યવહારો અંગે રિપોર્ટ દાખલ કર્યો હતો.

જવાબદારી અને હવેલીનો નવો અવતાર

આ બધાનો અંત 2021માં આવ્યો, જ્યારે ઘિસ્લેન મેક્સવેલને કિશોરીઓને લાલચ આપીને તેમનું શોષણ કરવા અને એપ્સટિનને મદદ કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી. હાલમાં તે 20 વર્ષની જેલની સજા ભોગવી રહી છે. એક સમયે જે ગુનેગારોનું છુપાવાનું સ્થળ હતું એ ‘ટક્ડ અવે’ ફાર્મહાઉસ હવે ફરીથી વેચાઈ ગયું છે. જોકે, તેની સાથે જોડાયેલા પ્રશ્નો–ખાસ કરીને બેન્કોની જવાબદારી અને શ્રીમંત ગ્રાહકો માટેના અલગ નિયમો વિશેના સવાલો–હજુ પણ એટલા જ ચર્ચાસ્પદ છે.


Explainer: એપસ્ટિન કેસમાં વળાંક: ગુનાનો ગઢ બનેલા એકાંકી ફાર્મહાઉસ 'ટક્ડ અવે'નું રહસ્ય આવ્યું સામે, જેલથી થયો મોટો ખેલ? 2 - image



Source link

Related Articles

Back to top button