राष्ट्रीय

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમીક્ષા | Middle East War Impact: PM Modi Holds Key Meeting with All CMs



PM Modi CM meeting | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં માઠી અસર પડી રહી છે. ભારતમાં પણ ઓઈલ અને ગેસ અંગે ચિંતા વધી છે. એવામાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી છે. યુદ્ધના કારણે ભારતમાં આવી રહેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે લોકસભા અને રાજ્યસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકારોને સહકાર આપવા તથા ‘ટીમ ઈન્ડિયા’ની ભાવનાથી કામ કરવા હાંકલ કરી હતી. 

મુખ્યમંત્રીઓ સાથે યોજાઈ વર્ચ્યુઅલ બેઠક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તેના કારણે ઉભા થયેલા ઉર્જા સંકટની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં ફરી એકવાર ‘ટીમ ઈન્ડિયા’ની ભાવના પર ભાર મૂક્યો છે.

ભારતમાં લોકડાઉન લગાવવાની વાતો માત્ર અફવા: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ જોર પકડી રહી હતી. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લૉકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન ખોટી છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નાગરિકોએ ગભરાવાની કે પેનિક (Panic) થવાની જરૂર નથી. સરકાર ઊર્જા, સપ્લાય ચેઈન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ પર દરરોજ ‘રિયલ ટાઈમ’ નજર રાખી રહી છે. તેમણે લોકોને શાંત રહેવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

રાજ્યસભામાં PM મોદીએ કહ્યું હતું- જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ નક્કી

પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધનમાં કહ્યું હતું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયા જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્સફરાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દુનિયાના અનેક દેશોથી ક્રૂડ ઓઈલ અને LPGના જહાજ ભારત પહોંચી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો ગંભીર દુષ્પરિણામ નક્કી છે. જે માટે ભારતે તૈયારી શરૂ કરી છે. ભારતનો 90 ટકા વેપાર વિદેશી જહાજો પર થાય છે, જેથી ભારતે હવે મેડ ઈન ઈન્ડિયા જહાજો બનાવવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કર્યું છે. આ સિવાય ભારતના મોટા ભાગના હથિયાર પણ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાન સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કરવું પડશે: પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે અને આ પરીક્ષામાં રાજ્યોનો સહકાર મળે તે આવશ્યક છે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકો પર અસર પડે છે. તેથી તેમને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. રાજ્ય સરકારોએ આવા સમયમાં સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાય ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને અનુરોધ કરવા માંગુ છું કે સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધે તે માટે સતત પ્રયાસ કરવા પડશે. કોરોના સંકટ સમયે કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઈન્ડિયા બનીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરશે.





Source link

Related Articles

Back to top button