જાપાનના વિશ્વના પ્રથમ વુડન સેટેલાઇટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 116 દિવસ સફળતાપૂર્વક પૂરા કર્યા | Japan’s world’s first wooden satellite successfully completes 116 days in Earth orbit

![]()
– અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં પહેલો વિશિષ્ટ-પડકારરૂપ પ્રયોગ
– અંતરિક્ષમાં લાકડાનો બનેલો લીગ્નોસેટ સેટેલાઇટ તરતો મૂકવાનો મુખ્ય હેતુ પૃથ્વીના વાતાવરણનો 12 થી 50 કિ.મી.નો પટ્ટો પ્રદૂષણ મુક્ત રાખવાનો છે
– લીગ્નોસેટ મેગ્નોલિયા બોવાટે પ્રકારના ઉત્તમ કુદરતી તત્વો ધરાવતા લાકડામાંથી બનાવાયો છે
ક્યોટો સિટી(જાપાન)/ મુંબઇ : અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં પહેલી જ વખત થયેલા વિશિષ્ટ અને પડકારરૂપ પ્રયોગને ઝળહળતી સફળતા મળી છે. આ નવતર પ્રયોગ છે જાપાનના વિશ્વના સૌથી પહેલા વુડન સેટેલાઇટ(લાકડામાંથી બનેલો કૃત્રિમ ઉપગ્રહ)ને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં તરતો મૂકવાનો.
જાપાને આ વિશિષ્ટ પ્રયોગ જાપાને અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ના સહયોગમાં કર્યો છે.
જાપાને ૨૦૨૪ની ૫, નવેમ્બરે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ના કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતા મૂકેલા લીગ્નોસેટ નામના વુડન સેટલાઇટે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા( લો અર્થ ઓર્બિટ ઓફ અર્થ) માં કુલ ૧૧૬ દિવસ સંપૂર્ણ સફળતા અને સલામતી સાથે પૂરા કર્યા છે. લીગ્નોસેટ હજી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોળ ગોળ ફરી રહ્યો છે.
લીગ્નોસેટને પહેલાં અંતરિક્ષના અતિ બળબળતા વાતાવરણના પરીક્ષણ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.) માં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦૨૪ના ડિસેમ્બરમાં લીગ્નોસેટને આઇ.એસ.એસ.માંથી પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવ્યો છે.નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે હાલલીગ્નોસેટ પર અંતરિક્ષમાંના અસહ્ય તાપમાનની અને કિરણોત્સર્ગ(રેડિયેશન)ની કેવી — કેટલી અસર થાય છે તેનું પરીક્ષણ થઇ રહ્યું છે. આ વૈજ્ઞાાનિક પરીક્ષણ માટે ખાસ પ્રકારનાં સેન્સર્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. સાથોસાથ લાકડાના આ સેટેલાઇટ પર જીઓમેગ્નેટિક ફિલ્ડ (વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર) ની પણ કેવી — કેટલી અસર થાય છે તેનું પણ પરીક્ષણ થઇ રહ્યું છે. એટલે કે વિશ્વનો આ પહેલો વુડન સેટેલાઇટ અંતરિક્ષમાં સહીસલામત રીતે ટકી શકે છે કે કેમ તેનાં વિવિધ વૈજ્ઞાાનિક પરીક્ષણ થઇ રહ્યાં છે. હાલના તબક્કે તો લીગ્નોસેટ આ તમામ પરીક્ષણોમાં સફળ રહ્યો છે.
વિશ્વના આ પ્રથમ વુડન સેટેલાઇટનું નામ લીગ્નોસેટ છે. લીગ્નોસેટની સમગ્ર રચના જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ અને સુમીટોમો ફોરેસ્ટ્રી નામની કંપનીએ કરી છે.
* વિશ્વનો પ્રથમ વુડન સેટેલાઇટ –લીગ્નોસેટ — અને તેનો હેતુ :
લીગ્નોસેટ પ્રોજેક્ટના વડા કોઝી મુરાટાએ એવી માહિતી આપી છે કે અમારો લીગ્નોસેટ ફક્ત ૧૦ ક્યુબીક સેન્ટીમીટરનો છે. બહુ નાના કદનો છે. વળી, અમે લીગ્નોસેટના જુદા જુદા હિસ્સા જોડવા માટે અમારી સદીઓ જૂની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેમાં લોખંડના સ્ક્રૂ કે ગુંદરનો ઉપયોગ જ નથી થતો. હા,લીગ્નોસેટના બહારના હિસ્સામાં સોલાર પેનલ્સનો ઉપયોગ જરૂર કર્યો છે.
અંતરિક્ષમાં લાકડાનો બનેલો સેટેલાઇટ તરતો મૂકવાનો મુખ્ય હેતુ પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયર(પૃથ્વીના વાતાવરણનો ૧૨ થી ૫૦ કિ.મી.ના પટ્ટો)ને પ્રદૂષણ મુક્ત રાખવાનો છે. એટલે કે હાલ વિશ્વના જુદા જુદા દેશના જે સેટેલાઇટ્સ ૩૦૦ –૬૦૦ કિલોમીટરના અંતરે ઘૂમી રહ્યા છે તે નિષ્ક્રિય થાય ત્યારે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરમાં આવે છે. પૃથ્વીના વાતાવરણ સાથેના અતિ પ્રચંડ ઘર્ષણથી સેટેલાઇટ બળી જાય.આમ છતાં સેટેલાઇટ એલ્યુમિનિયમ સહિત જે જુદી જુદી ધાતુનો બનેલો હોય તે ધાતુના અતિ સુક્ષ્મ હિસ્સા આ જ સ્ટ્રેટોસ્ફિયરના પટ્ટામાં સતત તરતા રહે છે.આમ પૃથ્વીના વાતાવરણના આ બીજા પટ્ટામાં એલ્યુમિનિયમ સહિત અન્ય ધાતુના અન્ય સુક્ષ્મ હિસ્સા કે રજકણો ઘણાં ઘણાં વર્ષો સુધી તરતાં રહે છે. પરિણામે વાતાવરણના આ બીજા પટ્ટાને સ્પેસ ડેબ્રીજના પ્રદૂષણની અસર થાય છે.
ક્યોટો યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરની ફરજ બજાવતા અને જાપાનના અવકાશયાત્રી ટાકાઓ દોઇએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સ્ટ્રેટોસ્ફિયરના પટ્ટામાં એલ્યુમિનિયમ સહિત અન્ય ધાતુના અતિ સુક્ષ્મ રજકણોને કારણે પૃથ્વીના વિરાટ ગોળા ફરતેના ઓઝોનના કુદરતી સુરક્ષાકવચને ભારે નુકસાન થઇ શકે છે.ઓઝોનની નૈસર્ગિક છત્રીમાં ઝીણાં ઝીણાં છીદ્રો પડી જાય તો સૂર્યમાંથી ફેંકાતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો(જેને પારજાંબલી કિરણો કહેવાય છે) છેક પૃથ્વી સુધી આવી જાય. સમગ્ર જીવ સૃષ્ટિને નુકસાન થઇ શકે.
આ લીગ્નોસેટ નિષ્ક્રિય થઇને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે જબરદસ્ત ઘર્ષણથી તેનું લાકડું સંપૂર્ણપણે બળી જશે.એટલે કે પૃથ્વીના વાતાવરણમાં કોઇ જ જાતનું પ્રદૂષણ નહીં ફેલાય.
* લીગ્નોસેટ માટે કયા પ્રકારના કાષ્ઠની પસંદગી થઇ ? જે.એ.એક્સ.એ.નાં અને નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે ૨૦૨૦માં શરૂઆતના તબક્કે એરમેનસ બીર્ક, જાપાનીઝ ચેરી, મેગ્નોલિયા બોવાટે (મેગ્નોલિયા વૃક્ષનું લાકડું) એમ ત્રણ પ્રકારનાં કાષ્ઠની પસંદગી કરી હતી. અમે આ ત્રણેય લાકડા પર વૈજ્ઞાાનિક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં મેગ્નોલિયા બોવાટેમાં ઉત્તમ પ્રકારનાં કુદરતી તત્ત્વો જણાયાં છે.ઉપરાંત,અમે મેગ્નોલિયાનું પરીક્ષણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માં સતત ૨૯૦ દિવસ સુધી પણ કર્યું હોવા છતાં તેનાં કુદરતી તત્ત્વો યથાવત રહ્યાં છે. તે ઉત્તમ અને ટકાઉ સાબિત થયું છે.
હવે લીગ્નોસેટનો પ્રથમ પ્રયોગ સંપૂર્ણ સફળ રહેશે તો સેટેલાઇટની રચનામાં એલ્યુમિનિયમ સહિત અન્ય ધાતુનો ઉપયોગ બંધ થશે. સેટેલાઇટની રચનામાં ઉત્તમ પ્રકારનાં લાકડાનો ઉપયોગ કરવાની સાવ જ નવી દિશા ખુલશે.



