ટ્રમ્પ ઈરાનમાં ફસાયેલા હતા ત્યાં નાટોના સહયોગી દેશની અમેરિકા સામે જ યુદ્ધની ‘ગુપ્ત’ તૈયારી! | US is fighting Iran Nato ally is preparing to fight US Donald Trump Greenland

![]()
NATO Countries: ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો કારણે અમેરિકા વૈશ્વિક સ્તરે અલગ પડી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. દેશની અંદર પણ રિપબ્લિકન નેતાઓ અને સામાન્ય અમેરિકનો, ખાસ કરીને ટ્રમ્પના MAGA સમર્થકોમાંથી વિરોધ ઊઠી રહ્યો છે. હવે તો અમેરિકાના નજીકના નાટો સાથી દેશો પણ અમેરિકાની નીતિઓથી દૂર ભાગી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ ડેન્માર્કે તો અમેરિકન સેનાની શક્ય કાર્યવાહી સામે યુદ્ધ માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
ડેન્માર્ક અમેરિકાના હુમલા સામે વળતો પ્રહાર કરવા તૈયાર હતું
ડેન્માર્કના જાહેર પ્રસારણ DRના રિપોર્ટ મુજબ અમેરિકા ઈરાન સાથે સંપૂર્ણ યુદ્ધમાં ઉતર્યું તે પહેલાંના એક મહિના અગાઉ ડેનિશ સૈન્ય દળોએ ગ્રીનલૅન્ડમાં અમેરિકન હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી હતી. અમેરિકન વિમાનો ઉતરી ન શકે તે માટે એરપોર્ટના રનવે ઉડાવી દેવાની યોજના પણ બનાવવામાં આવી હતી અને ઘાયલ સૈનિકોની સારવાર માટે રક્તનો જથ્થો પણ સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
ગુપ્ત રીત જવાબી કાર્યવાહીનું તખ્તો ઘડ્યો
સમગ્ર કાર્યવાહી ડેન્માર્ક દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે રાખવામાં આવી હતી. DRએ ડેન્માર્ક સરકાર, સૈન્ય અને યુરોપિયન સાથી દેશોના 12 ઉચ્ચ સ્તરીય સૂત્રો સાથે વાતચીત કરી હતી. ફ્રાન્સ, જર્મની, નૉર્વે અને સ્વીડન જેવા દેશોએ પણ ડેન્માર્કને મદદ કરી હોવાનું જણાવાયું છે. આ દેશોના સૈનિકો ગ્રીનલૅન્ડની રાજધાની નૂક અને કાંગરલુસુઆક એરપોર્ટ ખાતે તૈનાત કરવામાં આવ્યા હતા.
અન્ય નાટો દેશો ડેન્માર્કની પડખે આવ્યા
સત્તાવાર રીતે ફ્રાન્સની નૌ સેના ‘ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ’ નામના સંયુક્ત સૈનિક અભ્યાસ માટે આવી હતી, પરંતુ DRના અહેવાલ મુજબ વાસ્તવમાં તેનો હેતુ અમેરિકન હુમલા સામે રક્ષણનો હતો. ડેનિશ સંરક્ષણ સૂત્રે કહ્યું હતું કે, ‘ગ્રીનલૅન્ડ મેળવવા માટે અમેરિકા સામે દુશ્મનાઈ ભર્યું પગલું ભરવું જ પડશે.’ આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પના નિવેદનો હતા. ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલૅન્ડ ખરીદવા અથવા કબજે લેવા અંગે વાત કરતા રહ્યા છે અને તેને અમેરિકાની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ગ્રીનલૅન્ડ ડેન્માર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે અને બંને દેશો નાટોના સભ્ય છે.
વેનેઝુએલામાં કાર્યવાહી બાદ ગંભીરતા દાખવી
સ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે અમેરિકાએ 3 જાન્યુઆરીએ વેનેઝુએલામાં કાર્યવાહી કરીને રાષ્ટ્ર પ્રમુખ નિકોલસ માદૂરોને કબજે કર્યા. ત્યારબાદ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ અંગે બે મહિનામાં પગલાં લેવા અંગે સંકેત આપ્યો. ડેનિશ સુરક્ષા સૂત્રે જણાવ્યું કે, ‘વેનેઝુએલાની ઘટના બાદ અમારે દરેક સંભાવનાને ગંભીરતાથી લેવી પડી.’ એક યુરોપિયન અધિકારીએ ફાઇનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યું કે, ‘વેનેઝુએલા બાદ અમેરિકાને લાગ્યું કે તેઓ કંઈ પણ કરી શકે.’ ટ્રમ્પના નિવેદન બાદ લગભગ તમામ યુરોપિયન દેશોએ ડેન્માર્કના સમર્થનમાં એકતા દર્શાવી.
‘નાટો સાથી દેશો અમેરિકાની સામે લડવા માટે તૈયાર થઈ ગયા’
અમેરિકાના સાંસદ માઇક લેવિને આ સમગ્ર ઘટનાને ‘અવિશ્વસનીય’ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘અમારા સૌથી નજીકના નાટો સાથી દેશો અમેરિકાની સામે લડવા માટે તૈયાર થઈ ગયા હતા. આ અમેરિકા માટે ચિંતાજનક સંકેત છે.’ લેવિને આગળ કહ્યું કે, ‘વર્ષો સુધી અમેરિકાની સાથે લડેલા દેશોએ હવે આ સરકારને લઈને સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયારી શરૂ કરી દીધી છે. સાથી દેશો ગુમાવવાથી અમેરિકા વધુ નબળું બને છે અને તેનો ફાયદો રશિયા અને ચીનને મળે છે.’
અમેરિકા સામે નજીકના મિત્ર દેશોએ સવાલ ઉઠાવ્યા
ટ્રમ્પે પર્સિયન ગલ્ફ(ફારસની ખાડી) વિસ્તારમાં નાટો દેશો પાસે સમર્થન માગ્યું હતું, પરંતુ યુરોપિયન દેશોએ તે ધરમૂળથી નકારી દીધું છે. જાપાન અને ઑસ્ટ્રેલિયાએ પણ મદદ કરવા માટે નૌ સેના મોકલવાનું ટાળ્યું. ઘણા નિષ્ણાતો આ યુદ્ધને ‘ટ્રમ્પનું યુદ્ધ’ ગણાવી રહ્યા છે. ગ્રીનલૅન્ડ જેવા નાના સૈન્યવાળા નાટો દેશે પણ અમેરિકાની સામે લડવાની તૈયારી કરી, તે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ હતી. આજના સમયમાં ઈરાન સાથેના યુદ્ધને કારણે અમેરિકાના પગલાં પર તેના નજીકના મિત્ર દેશો પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
ટ્રમ્પે 21 જાન્યુઆરીએ દાવોસમાં કહ્યું હતું કે તેઓ ગ્રીનલૅન્ડ માટે બળનો ઉપયોગ નહીં કરે અને બાદમાં વાતચીત કરવાની વાત કરી. જો કે આ સમગ્ર ઘટનાએ અમેરિકાની વૈશ્વિક છબી પર અસર કરી દીધી છે અને ઈરાન યુદ્ધે આ અસરને વધુ ગાઢ બનાવી છે. ગ્રીનલેન્ડના બરફથી લઈને પર્સિયન ગલ્ફના પાણી સુધી, હવે અમેરિકાના જૂના મિત્રો પણ ટ્રમ્પ અને વોશિંગ્ટનના તઘલખી નિર્ણયોને શંકાની નજરે જોઈ રહ્યા છે.



