હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place emotional father bids final farewell

![]()
– ઇચ્છામૃત્યુ બાદ હરીશના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરાયા
– હરીશના પાંચ અંગોનું પરિવાર દાન કરશે, અંતિમ સંસ્કારમાં અનેક લોકો જોડાયા, માતાએ બે હાથ જોડી પુત્રને અલવિદા કહ્યું
ગાઝિયાબાદ : ઇચ્છામૃત્યુ પામનારા ભારતના પ્રથમ નાગરિક હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, દિલ્હીના એઇમ્સમાં દસ દિવસ રાખ્યા બાદ હરીશ રાણા ઇચ્છામૃત્યુ પામ્યા હતા. ભારે હૈયે પરિવારે હરીશને અંતિમ વિદાય આપી હતી. હરીશના અંતિમસંસ્કાર દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાન પર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હરીશના માતા પિતાએ હિમ્મત દાખવીને કહ્યું હતું કે રડશો નહીં હરીશ હવે એક સુખદ સ્થળે પહોંચી ગયો છે.
૨૦૧૩માં બી.ટેકના અભ્યાસ દરમિયાન હોસ્ટેલ પરથી નીચે પડી જવાને કારણે હરીશ રાણાને બ્રેઇન ઇન્જરી થઇ હતી, જે બાદથી તે કોમામાં જતો રહ્યો હતો. ૧૩ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ અંતે સુપ્રીમ કોર્ટની મંજૂરી મળતા હરીશને ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું હતું.
ઇચ્છામૃત્યુની આ પ્રક્રિયા ૧૦ દિવસ સુધી ચાલી હતી. મંગળવારે હરીશે દિલ્હીના એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે દિલ્હીમાં ગ્રીન પાર્ક સ્મશાનઘાટ પર તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હરીશને તેના નાના ભાઇ આશીષ અને બહેન ભાવનાની હાજરીમાં મુખાગ્ની આપી હતી.
અંતિમ સંસ્કાર દરમિયાન મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, આ દરમિયાન મોહાલ અત્યંત ભાવુક હતો, હરીશના માતા નિર્મલા દેવીએ જોડેલા હાથે પુત્રને ભાવુક વિદાય આપી હતી, પિતા અશોક રાણા લોકોની હિમ્મત વધારતા રહ્યા અને કહેતા રહ્યા કે મારો પુત્ર હવે એક સુખી સ્થાન પર છે, તે હંમેશા એક સારો પુત્ર રહ્યો.
હરીશ રાણા અને તેનો પરિવાર ગાઝિયાબાદની જે સોસાયટીમાં કહે છે ત્યાંના લોકો અંતિમસંસ્કાર માટે દિલ્હી પહોંચ્યા હતા.
આ ઉપરાંત સામાજિક સંસ્થાના લોકો પણ જોડાયા હતા. પરિવારે હરીશ રાણાની આંખો સહિત પાંચ અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અજય રાય પણ સ્મશાનઘાટ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે હરીશ તો જતો રહ્યો પરંતુ તેના અંગોને દાન કરવાનો પરિવારે નિર્ણય લીધો છે.



