ધુરંધર 2′ વિવાદોમાં! શીખ સમુદાયના અપમાનનો આરોપ, માધવને મૌન તોડતાં માફી માગી | r madhavan dhuraandhar 2 controversy smoking scene sikh community apology

![]()
Dhurandhar 2 Controversy: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે. પરંતુ તેની સાથે જ ફિલ્મ એક મોટા વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં અભિનેતા આર. માધવનના એક સીન પર શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો છે. વિવાદ વધતા માધવને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની સ્પષ્ટતા રજુ કરી છે સાથે સાથે માફી પણ માંગી છે.
શું છે સમગ્ર વિવાદ?
ફિલ્મ ધુરંધર 2 ના એક સીનમાં આર. માધવનનું પાત્ર ગુરુ ગોવિંદ સિંહ જીના દશમ ગ્રંથની પવિત્ર પંક્તિઓ બોલે છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો કે, માધવને સિગરેટ પીતા-પીતા આ પવિત્ર પંક્તિઓ ઉચ્ચારી હતી. શીખ સમુદાયમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો અને ફિલ્મ મેકર્સ પર ધાર્મિક અપમાનના આક્ષેપો થયા.
આર. માધવને કરી સ્પષ્ટતા
વિવાદને ગંભીરતાથી લેતા આર. માધવને એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. તેણે કહ્યું કે, ફિલ્મને મળી રહેલા પ્રેમ માટે આભાર, પરંતુ મને જાણવા મળ્યું છે કે એક સીનને લઈને ખોટી સમજ ઉભી થઈ છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પવિત્ર પંક્તિઓ બોલતા પહેલા જ મેં સિગરેટ બુઝાવી દીધી હતી.
માધવને વીડિયોમાં સ્પષ્ટતા કરી કે, નિર્દેશક આદિત્ય ધરે પહેલેથી જ સૂચના આપી હતી કે આ પવિત્ર લાઈનો બોલતી વખતે મોઢામાંથી ધુમાડો ન નીકળવો જોઈએ કે હાથમાં સિગરેટ ન હોવી જોઈએ. સીનની શરૂઆતમાં પાત્રના હાથમાં સિગરેટ હતી કારણ કે તે પાત્ર સ્મોકિંગ કરે છે, પરંતુ પંક્તિઓ શરૂ થાય તે પહેલા જ સિગરેટ બુઝાવી દેવામાં આવી હતી. દર્શકો ધ્યાનથી જોશે તો ખ્યાલ આવશે કે તે આખા સીન દરમિયાન ક્યાંય ધુમાડો કે સિગરેટ દેખાતી નથી.
જાણે-અજાણે દિલ દુભાયું હોય તો ક્ષમા
માધવને વધુમાં ઉમેર્યું કે, તે પોતે શીખ સમુદાયનો ખૂબ આદર કરે છે અને દરેક ફિલ્મની રિલીઝ પહેલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે માથું ટેકવવા જાય છે. તેણે અંતમાં ભાવુક થઈને કહ્યું, અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ક્યારેય નહોતો. જો જાણે-અજાણે કોઈનું દિલ દુભાયું હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધુરંધર 2: ધ રિવેન્જમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આર. માધવન ઉપરાંત સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોએ મહત્વના રોલ ભજવ્યા છે. હાલમાં આ ફિલ્મ તેની એક્શન અને સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં છે, ત્યારે આ વિવાદથી ફિલ્મના કલેક્શન પર શું અસર પડશે તે જોવું રહ્યું.



