મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gaurakshak farsa wale baba murder news delhi agra highway jam

![]()
Mathura Farsa Wale-baba : ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષકોમાં મુખ્ય ચહેરો ગણાતા સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબાની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગૌતસ્કરોનો પીછો કરી રહેલા બાબાને ટ્રક નીચે કચડી નાખવાની ઘટના સામે આવતા શુક્રવારે વહેલી સવારે સેંકડો ગૌરક્ષકો અને સ્થાનિકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે કોસીકલાં વિસ્તારના નવીપુર ગામ પાસે ફરસાવાળા બાબા પોતાની બાઈક પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન ગૌતસ્કરોએ તેમની ગાડી બાબાની બાઈક પર ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બાબાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર
ઘટના બાદ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.
હાઈવે પર વાહનોની લાંબી લાઇનો, માહોલ તંગ
બાબાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં ગૌરક્ષકો છાતા પાસે દિલ્હી-આગ્રા હાઈવે પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ હાઈવે જામ કરી દીધો હતો, જેના કારણે કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ ફરાર ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને ગૌતસ્કરી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોણ હતા ફરસાવાળા બાબા?
સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબા બ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા આંદોલનનો ખૂબ જ જાણીતો ચહેરો હતા. તેઓ હંમેશા ગૌરક્ષા માટે સક્રિય રહેતા અને આ વિસ્તારમાં ગૌતસ્કરી રોકવા માટે જાણીતા હતા. તેમની હત્યાથી ભક્તો અને ગૌરક્ષકોમાં ભારે શોકની લાગણી જન્મી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પ્રશાસન દ્વારા હાઈવે પરથી જામ હટાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.



