એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthorized flight to Canada had to return midway

![]()
દિલ્હીથી ઉડાન ભર્યા બાદ આઠ કલાક ફ્લાઇટ હવામાં રહી
ચીનના એરસ્પેસમાં પહોંચતા ભુલ સમજાઇ તેથી અધવચ્ચેથી જ પાછું ફર્યું, ઓપરેશન ઇશ્યૂ હોવાનો એરલાઇનનો દાવો
નવી દિલ્હી: એર ઇન્ડિયાના એક વિમાનને નવ કલાકની ઉડાન બાદ પરત વાળવુ પડયું હતું, જોકે આવુ ઇઝરાયેલ-ઇરાનના યુદ્ધને કારણે નહીં પણ અન્ય એક ભુલને કારણે કરવુ પડયું હતું. કેનેડામાં જે વિમાનના પ્રવેશને મંજૂરી નહોતી એર ઇન્ડિયાએ એ જ વિમાનને મુસાફરો સાથે કેનેડા માટે રવાના કરી દીધુ હતું, જેને પગલે મંજૂરી ના મળી શકે તેમ હોવાથી મુસાફરો સાથે આ વિમાનને દિલ્હી પરત લાવવું પડયું હતું.
એર ઇન્ડિયાના કેટલાક વિમાનો જેમ કે બોઇંગ ૭૭૭-૩૦૦ એક્સટેંડેડ રેન્જ (ઇઆર)ને કેનેડામાં ઉડાનની મંજૂરી છે બી૭૭૭-૨૦૦ લોંગ રેન્જ (એલઆર)ને નહીં, ગુરુવારે જે ફ્લાઇટે દિલ્હીથી વેંક્યુવર માટે ઉડાન ભરી હતી તે એક બી૭૭૭ એલઆર વિમાન (ફ્લાઇટ એઆઇ ૧૮૫) હતું. વિમાનમાં મુસાફરો સવાર હતા, જોકે કેનેડામાં તેનું લેન્ડિંગ કરવાની મંજૂરી નહોતી. અંતે નવ કલાકની ઉડાન બાદ વિમાનને પરત લાવવું પડયું, વિમાને ઉડાન ભરી તેના ચાર કલાક બાદ ચીનના એરસ્પેસમાં હતું ત્યારે પોતાની ભુલ સમજાઇ તેથી ચીનમાંથી પરત વાળી લેવાયું હતું.
ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટો મુજબ આ વિમાન ગુરૂવારે સવારે ૧૧.૩૪ કલાકે દિલ્હીથી કેનેડા જવા માટે રવાના થયું હતું, જ્યારે એ જ દિવસે સાંજે ૭.૧૯ કલાકે પરત દિલ્હી ફરવુ પડયું હતું. ખરેખર સમસ્યા શું છે તેની જાણકારી મળે તે પહેલા વિમાન નવ કલાક ઉડાન ભરી ચુક્યું હતું અને ચીનના કુનમિંગ પાસે પહોંચ્યું હતું હતું. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓપરેશન ઇશ્યૂને કારણે આ ફ્લાઇટને દિલ્હી પરત લાવવી પડી છે. તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે. મુસાફરો પરેશાન થયે જે બદલ અમને ખેદ છે. તેમને તમામ સુવિધા પુરી પાડવામાં આવી છે.



