પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached in PACL case

![]()
ઇડીએ તાજેતરમાં ૫૦૪૬ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
આ સંપત્તિ કોઇ એક કેસમાં ઇડી દ્વારા ટાંચમાં લેવામાં આવેલી સૌથી વધુ : એજન્સી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પીએસીએલ (પર્લ્સ ગુ્રપ)થી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં નવેસરથી સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સાથે જ ૪૮૦૦૦ કરોડ રૂપિયાની પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા કેસમાં અત્યાર સુધી કુલ ૨૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ સંપત્તિ કોઇ એક કેસમાં ઇડી દ્વારા ટાંચમાં લેવામાં આવેલ સૌથી વધુ છે.
ઇડીના જણાવ્યા અનુસાર તાજેતરની કાર્યવાહીમાં કુલ ૧૨૬ સ્થિર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. આ સ્થિર મિલકતો પંજાબ અને દિલ્હીમાં આવેલી છે. આ મિલકતોનું કુલ મૂલ્ય ૫૦૪૬.૯૧ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
ફેડરલ એજન્સીનાં જણાવ્યા અનુસાર આ મિલકતો ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.
એજન્સીના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર કોઇ એક કેસમાં કરવામાં આવેલી આ સૌથી મોટી જપ્તી છે. સીબીઆઇએ ૨૦૧૪માં પીએસીએલ અને તેના પ્રમોટર નિર્મલ સિંહ ભાંગો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ દાખલ કરેલા આ કેસને આધારે ઇડીએ ૨૦૧૬માં તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશને પગલે સીબીઆઇએ ૨૦૧૪માં કેસ દાખલ કર્યો હતો. નિર્મલ સિંહ ભાંગોનું ઓગસ્ટ, ૨૦૨૪માં અવસાન થયું હતું.
ઇડીના જણાવ્યા અનુસાર પીએસીએલ ગેરકાયદે રોકાણ સ્કીમ ચલાવતા હતાં. આ સ્કીમ હેઠળ ખેતીની જમીનનાં વેચાણ અને વિકાસનાં નામે ઉંચુ વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતાં.



