9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA Issues Advisory: Avoid Airspace of 9 Countries Amid Middle East War Crisis

![]()
DGCA Releases Flight Advisory Amid Middle East Conflict : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં મધ્ય-પૂર્વમાં ભારે સંકટ અને મોતનું જોખમ ઊભું થયા બાદ ભારતીય એવિએશન સેક્ટરમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભારતની એવિએશન રેગ્યુલેટર ‘નાગર વિમાન મહાનિદેશાલય'(DGCA)એ યુદ્ધ પ્રભાવિત 9 દેશોના આકાશનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જે 9 દેશોના એરસ્પેસની વાત છે, તેમાં બહેરીન, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જૉર્ડન, કુવૈત, લેબેનૉન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત(UAE)નું નામ સામેલ છે.
યુદ્ધમાં જોખમી દેશો મામલે DGCAની ગાઇડલાઇન જાહેર
જોકે ડીજીસીએની સૂચના મુજબ, કેટલીક શરતો મુજબ ઓમાન અને સાઉદી અરેબિયાના એરસ્પેસ પરથી ફ્લાઇટો ઉડાવવા માટે મંજૂરી આપવામાં આવી શકે છે. નિયામકે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ફ્લાઇટો જોખમમાં મૂકાઈ શકે છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, ઈરાનના વળતા પ્રહારના કારણે એરસ્પેરસ પર જોખમ વધી ગયું છે. આ ઉપરાંત ઓમાન અને સાઉદી અરેબિયામાં 32,000 ફૂટથી નીચે ઉડાન ભરવાની સલાહ આપવામાં આવી છે.
ગાઇડલાઇન 28 માર્ચ સુધી લાગુ રહેશે
નિયામકે સંભવિત પડકારો દરમિયાન માર્ગ બદલવાનો, સુરક્ષા જોખમનું વ્યાપક મૂલ્યાંકન કરવાની અને આકસ્મિક યોજનાને મજબૂત બનાવવા પર ભાર આપ્યો છે. ડીજીસીએએ તાત્કાલીક અસરથી આ નિર્દેશ લાગુ કરી દીધા છે, જે 28 માર્ચ સુધી લાગુ રહેશે. જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી નિયમોનું પાલન કરવાનો આદેશ અપાયો છે. આ ક્ષેત્રોમાં જે ઍરપૉર્ટ પર સંચાલન થઈ રહ્યું છે, ત્યાં કોઈપણ આકસ્મિક ઘટાનાને પહોંચી વળવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમજ એરસ્પેસ પ્રતિબંધ અને સંચાલન સ્થિતિ વખતે વાસ્તિક સમયની માહિતી આપતા ક્રૂ મેમ્બરને નોટમ(નોટિસ ટુ એરમેન)ની તમામ માહિતી હોવી જોઈએ.
જળમાર્ગ બાદ આકાશ માર્ગ પણ અવરોધાયો
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઊભું થયું છે. યુદ્ધથી માત્ર જળમાર્ગ જ નહીં, આકાશ માર્ગ પણ અવરોધાયો છે અને આ કારણે ભારત સહિત અનેક દેશોની એવિએશન કંપનીઓએ મધ્ય-પૂર્વમાં ફ્લાઇટ ઓપરેટિંગ કામગીરી બંધ કરવી પડી છે. ઈરાન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઈરાન પણ ઈઝરાયલ સહિત પડોશી દેશોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. જેના કારણે 9 દેશોના એરસ્પેસ પરથી પસાર થતું જોખમ હોવાના કારણે તેઓના એરસ્પેસનો ઉપયોગ ન કરવાના નિર્દેશો અપાયા છે.



