કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્ત્વના નિર્ણય: FCRA સંશોધન બિલ અને ‘BHAVYA’ યોજનાને મંજૂરી | Modi Cabinet approves BHAVYA Programme Cotton MSP Barabanki to Bahraich 4 lane highway

![]()
Delhi Cabinet Meeting: પાટનગર દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મુખ્ય ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાની જાહેરાત અગાઉ બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશમાં 100 ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવામાં આવશે, જે ‘પ્લગ એન્ડ પ્લે’ મોડલ પર આધારિત હશે. એટલે કે, અહીં રોડ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ પહેલેથી જ તૈયાર હશે. આ સાથે જ 100 મોટા ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવામાં આવશે.
33,660 કરોડ રૂપિયાનો ખર્ચ
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના પાછળ 33,660 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના ‘મેક ઇન ઇન્ડિયા’નું જ એક મોટું રૂપ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં બનેલી વસ્તુઓને દુનિયાભરના માર્કેટમાં વેચવાનો છે.
BHAVYA યોજનાનો મુખ્ય હેતુ શું?
-ભારતમાં જ વધુમાં વધુ ચીજવસ્તુઓના ઉત્પાદન પર ભાર મૂકવો
-નવા ઔદ્યોગિક વિસ્તારો તૈયાર કરવા
-નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને આગળ વધવામાં મદદ કરવી
-વધુ ઉત્પાદન દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવી
ઉદ્યોગો માટે શ્રેષ્ઠ રસ્તા, વીજળી, નવી ટેકનોલોજી અને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવી
કપાસ MSP માટે 1718 કરોડ રૂપિયાની ફાળવણી
કેબિનેટે કપાસ સીઝન 2023-24 દરમિયાન કપાસ માટે MSP કામગીરી પર થયેલા 1718 કરોડ રૂપિયાના ખર્ચની ભરપાઈ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકારો, સેન્ટ્રલ PSUs અને પ્રાઈવેટ ડેવલપર્સ સાથે મળીને વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ્સની પસંદગી ‘ચેલેન્જ મોડ’માં કરવામાં આવશે.
મૂલ્યાંકન માપદંડ
-PM ગતિશક્તિ સિદ્ધાંતો
-અંડરગ્રાઉન્ડ યુટિલિટી કોરિડોર
-ગ્રીન એનર્જી
-ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિફોર્મ્સ
બારાબંકીથી બહરાઈચ 4-લેન હાઈવેને મંજૂરી
કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઈચ (101.515 કિમી) સુધીના 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે-927ના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઈબ્રિડ વાર્ષિક મોડ પર 6969.04 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.
FCRA સંશોધન બિલને પણ મળી મંજૂરી
વિદેશી ફંડિંગ સાથે જોડાયેલા FCRA (Foreign Contribution Regulation Act) સંશોધન બિલને પણ કેબિનેટમાં લીલી ઝંડી મળી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બિન-સરકારી સંગઠનો (NGOs) ને મળતા વિદેશી ફંડમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. 18 માર્ચ 2026 ના રોજ મળેલી બેઠકમાં વિદેશી ફંડિંગના નિયમોમાં ફેરફાર કરવા માટે આ નવા સંશોધન બિલને મંજૂરી અપાઈ છે.

