પ.બંગાળમાં મમતાની ‘હેટ્રિક’ કે ભાજપ કરશે ‘ખેલા’? ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો | west bengal assembly election opinion poll tmc bjp prediction

![]()
Election Survey : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વચ્ચે, મેટરાઈઝ-IANS દ્વારા કરવામાં આવેલો પહેલો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેણે બંગાળની સત્તાની ચાવી કોની પાસે રહેશે તે અંગે મોટો ઈશારો કર્યો છે. આ પોલના આંકડા ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર તરફ ઈશારો કરી રહ્યા છે.
બહુમત મમતા બેનર્જીના પક્ષમાં?
ઓપિનિયન પોલના આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સરકાર બનતી દેખાઈ રહી છે. જોકે, ભાજપ તરફથી થતા સખત પ્રચાર અને પ્રયાસોને કારણે TMC ને બેઠકોમાં નુકસાન થવાની સંભાવના છે. ગત ચૂંટણીની સરખામણીએ TMC ની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ તેઓ બહુમતના આંકડાને સ્પર્શવામાં સફળ રહી શકે છે.
વોટ શેરમાં જોરદાર ફાઈટ!
સર્વે મુજબ, સૌથી રસપ્રદ વાત એ છે કે, બેઠકોની રેસમાં ભલે TMC આગળ હોય, પરંતુ વોટ ટકાવારીના મામલામાં ભાજપ અને TMC વચ્ચેનું અંતર ખૂબ ઓછું થઈ ગયું છે. આ આંકડો બતાવે છે કે, બંગાળમાં આ વખતે મુકાબલો અત્યંત નજીકનો હોવાનો છે.
TMC: 43 – 45% (ગત વખતે 48.5% હતો)
BJP: 41 – 43% (ગત વખતે 38.5% હતો)
અન્ય: 13 – 15%
શું ભાજપની મહેનત રંગ લાવશે?
ઓપિનિયન પોલના આંકડા મુજબ ભાજપના વોટ શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે બતાવે છે કે ભાજપના જોરદાર ચૂંટણી પ્રચારની અસર થઈ રહી છે. મમતા બેનર્જી જ્યાં પોતાની સત્તા બચાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે, ત્યાં ભાજપ પણ સરકાર બનાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. હવે સવાલ એ છે કે શું જમીની સ્તર પર આ આંકડા હકીકત બનશે કે પછી 4 મે ના પરિણામો કોઈ અલગ જ કહાની લખશે?
હાલ તો પશ્ચિમ બંગાળમાં ‘ખેલા’ થશે કે ‘ખેલા’ ખતમ થશે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ પહેલો ઓપિનિયન પોલ એ ચોક્કસ બતાવી રહ્યો છે કે આ વખતે ટક્કર રોમાંચક રહેવાની છે.
| સર્વેમાં કોણ સંભાળશે સત્તા? |
| પાર્ટી | સંભવિત સીટો (2026) | 2021 ના પરિણામ |
| તૃણમુલ કોંગ્રેસ (TMC) | 155 – 170 | 213 |
| ભાજપ | 100 – 115 | 77 |
| AIMIM+ | 05 – 06 | 00 |
| કોંગ્રેસ | 00-01 | 04 |
| મૈટરાઇઝ-IANS સર્વે |



