પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | mandating menstrual leave may harm womens careers says supreme court

Supreme Court on Menstrual Leave: સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ(પીરિયડ્સ) દરમિયાન રજા આપવાના રાષ્ટ્રીય કાયદા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો આવી રજાઓને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવે, તો તેનાથી કાર્યસ્થળ પર મહિલાઓ સાથે ભેદભાવ વધી શકે છે અને તેમના કરિયરમાં અવરોધ ઊભો થઈ શકે છે. કોર્ટે સાવધ કરતા કહ્યું કે, જો કાયદો કડક અને ફરજિયાત બનશે, તો કંપનીઓ મહિલાઓને નોકરીએ રાખતા અચકાશે, જેનાથી પ્રાઈવેટ અને સરકારી સેક્ટરમાં મહિલાઓની એન્ટ્રી પર અસર પડશે.
ફરજિયાત રજાથી મહિલાઓની કારકિર્દી જોખમાશે: CJI
આ અંગે ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા જણાવ્યું કે, ‘આવી અરજીઓ મહિલાઓને ઓછી આંકવા માટે કરવામાં આવતી હોય તેવું લાગે છે. જો તમે તેને કાયદાકીય રીતે ફરજિયાત કરશો, તો કોઈ પણ તેમને નોકરી આપશે નહીં, ન્યાયતંત્ર કે સરકારી નોકરીમાં પણ અવરોધ આવશે અને તેમની કારકિર્દી જોખમાશે. સંસ્થાઓ એવું કહેવા લાગશે કે પીરિયડ્સ દરમિયાન તમે ઘરે બેસો. કોર્ટનું માનવું છે કે ફરજિયાત રજાને કારણે એક એવી ખોટી છાપ ઊભી થશે કે મહિલાઓ પુરુષો કરતા ‘ઓછી’ સક્ષમ છે અને કુદરતી પ્રક્રિયા હોવા છતાં તેને એક અશક્તિ તરીકે જોવામાં આવશે.’
આ પણ વાંચો: હોટલ-રેસ્ટોરન્ટને કોલસો-કેરોસીનથી ભોજન બનાવવા છૂટ! LPG સંકટ વચ્ચે સરકારનો નિર્ણય
કલમ 21 હેઠળ માસિક સ્વચ્છતા ‘જીવવાના અધિકાર’નો ભાગ
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે માસિક ધર્મ સાથે જોડાયેલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે ગંભીર છે. જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે માસિક ધર્મની સ્વચ્છતાને કલમ 21 હેઠળ ‘જીવવાના અધિકાર અને ગરિમા’નો અભિન્ન ભાગ ગણાવ્યો હતો. કોર્ટે શાળાઓમાં ફ્રી સેનિટરી નેપકિન્સ આપવા, મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવા અને માસિક ધર્મ વિશે જાગૃતિ લાવવા માટે અગાઉ નિર્દેશો આપ્યા છે. કોર્ટના મતે, માસિક સ્વાસ્થ્ય એક મૂળભૂત અધિકાર છે, પરંતુ પીરિયડ્સ લીવ (રજા) અંગેનો નિર્ણય સાવધાનીપૂર્વક લેવો જોઈએ જેથી મહિલાઓનું સશક્તિકરણ થાય, નહીં કે તેમને કાર્યક્ષેત્રથી અલગ કરવામાં આવે.




