ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel and iran war india helps bangladesh amid oil crisis delivers 5000 tonnes diesel

![]()
US Israel Iran War: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધના કારણે વિશ્વના ઘણાં દેશોમાં ઈંધણની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશને 5000 ટન ડીઝલ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વનું છે કે બાંગ્લાદેશ પાસે માત્ર હવે બે સપ્તાહ ચાલી શકે તેટલો જ ઈંધણનો જથ્થો વધ્યો છે. જો કે, ભારતે એક કરાર હેઠળ બાંગ્લાદેશને આ ડીઝલની સહાય કરી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શું છે કરાર?
બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન(BPC)ના ચેરમેન મોહમ્મદ રેઝાનુર રહેમાને જણાવ્યું હતું કે, ‘ભારત સાથે અમારો એક કરાર છે અને તે કરાર મુજબ ભારત પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશને દર વર્ષે 1,80,000 ટન ડીઝલ સપ્લાય કરશે. અત્યારે જે 5,000 ટન ડીઝલ આવી રહ્યું છે તે જ કરારનો આ એક ભાગ છે.’ કરાર મુજબ, છ મહિનાની અંદર બાંગ્લાદેશમાં ઓછામાં ઓછું 90,000 ટન ડીઝલ આયાત કરવામાં આવશે. ભારતથી આજે એટલે કે મંગળવારે જે ખેપ આવી રહી છે તે 5,000 ટન છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી બે મહિનામાં બાકીનું ડીઝલ પણ આયાત કરી લેવામાં આવશે.
બાંગ્લાદેશમાં પણ ઈંધણનું સંકટ ઘેરાયું
ભારતે પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશને ડીઝલ મોકલ્યું છે. આ ડીઝલ બાંગ્લાદેશના પરબતીપુર (Parbatipur) બોર્ડરથી દેશમાં પ્રવેશ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્લાયથી બાંગ્લાદેશમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી છે. મિડલ ઈસ્ટમાં છેડાયેલા યુદ્ધ બાદ અન્ય દેશોની જેમ બાંગ્લાદેશમાં પણ ઈંધણનું સંકટ ઊભું થયું હતું, જે ભારત દ્વારા ડીઝલની પૂર્તિ થતાં અમુક અંશે ઓછું થઈ શકશે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે દેશમાં ઈંધણના સંગ્રહખોરીને લઈ કડક વલણ અપનાવ્યું છે. ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે કેટલાક વેપારીઓ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવા માટે ગેરકાયદેસર રીતે ઈંધણનો સંગ્રહ કરી રહ્યા છે.
મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી
બાંગ્લાદેશના ઊર્જા વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક પેટ્રોલ પંપો પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈંધણ વેચવામાં આવી રહ્યું છે અને વધારાનો નફો કમાવવા માટે ઈંધણનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખુલ્લા બજારમાં ઈંધણ વેચવા અને દાણચોરીની ફરિયાદો પણ સામે આવી છે. આ પ્રવૃત્તિઓને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે મોબાઇલ કોર્ટ દ્વારા નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે. રાજધાની ઢાકામાં અનેક પેટ્રોલ પંપ અને ફ્યુઅલ સ્ટેશનોની તપાસ કરવામાં આવી છે.
તેજગાંવ ફિલિંગ સ્ટેશનમાં ઈંધણની તંગી
બાંગ્લાદેશના તેજગાંવ સ્થિત ફિલિંગ સ્ટેશનમાં હાલમાં ઈંધણ ખતમ થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે અને ત્યાં સપ્લાય પહોંચ્યા બાદ જ કામગીરી ફરી શરૂ થશે. બીજી તરફ, ‘ક્લિન ફ્યૂઅલ તેજગાંવ’ નામનો પેટ્રોલ પંપ તમામ નિયમો અનુસાર કાર્યરત હોવાનું જણાયું હતું. સરકારનું કહેવું છે કે ઈંધણનો પુરવઠો સામાન્ય રાખવા અને ગેરકાયદે સંગ્રહખોરી રોકવા માટે આવા અભિયાનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.



