राष्ट्रीय

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish Kumar’s Son Nishant to Become Bihar Deputy CM JD U MLA’s Big Claim



Bihar Political News: બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટો ધડાકો થયો છે. જેડીયુ (JD-U)ના વરિષ્ઠ ધારાસભ્ય હરિનારાયણ સિંહે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર ટૂંક સમયમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. આ સાથે જ નિશાંત કુમાર આવતા મહિને વિધાન પરિષદ (MLC)ના સભ્ય તરીકે પણ ચૂંટાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

બેઠકમાં લેવાયો ‘સર્વાનુમતે’ નિર્ણય

નાલંદા જિલ્લાના હરનૌતના ધારાસભ્ય અને નીતિશ કુમારના નજીકના ગણાતા હરિનારાયણ સિંહે જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી વિધાનસભા પક્ષની બેઠકમાં નિશાંત કુમારને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.’ આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નીતિશ કુમારે પોતે મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો: બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ

નિશાંત કુમારની એન્ટ્રી આ રીતે થઈ શકે છે

નિશાંત કુમાર ટૂંક સમયમાં વિધિવત રીતે જેડીયુમાં જોડાશે. બંધારણીય પદ સંભાળવા માટે ગૃહના સભ્ય હોવું અનિવાર્ય હોવાથી, એપ્રિલમાં યોજાનારી વિધાન પરિષદની નવ બેઠકોની ચૂંટણીમાં તેઓ ઉમેદવારી નોંધાવશે. નીતિશ કુમારના રાજીનામા બાદ રચાનારી નવી સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

બિહારમાં સત્તાનું નવું ગણિત

અત્યાર સુધી વંશવાદના રાજકારણના કટ્ટર ટીકાકાર ગણાતા નીતિશ કુમારના આ સંભવિત નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બિહારમાં હવે ભાજપનો મુખ્યમંત્રી બની શકે છે, કારણ કે NDA માં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જેડીયુ ગૃહ મંત્રાલય જેવા મહત્ત્વના વિભાગો સાથે બે નાયબ મુખ્યમંત્રી પદ પર આગ્રહ રાખી શકે છે. વર્તમાન વ્યવસ્થામાં ભાજપના બે નાયબ મુખ્યમંત્રી (સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા) છે, જે આખી પ્રક્રિયા ઉલટાઈ શકે છે.

કોણ છે નિશાંત કુમાર?

નિશાંત કુમાર અત્યાર સુધી રાજકારણ અને લાઈમલાઈટથી દૂર રહ્યા છે. તેઓ વ્યવસાયે એન્જિનિયર છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ ધરાવે છે. જોકે, બદલાતા રાજકીય સંજોગોમાં હવે તેઓ નીતિશ કુમારના રાજકીય વારસદાર તરીકે ઊભરી રહ્યા હોય તેમ જણાય છે.



Source link

Related Articles

Back to top button