અક્ષય કુમારની ભાગમભાગ-ટુ કાનૂની વિવાદના કારણે અટકી ગઈ | Akshay Kumar Bhagam Bhag 2 stalled due to legal dispute

![]()
– ફિલ્મનું શૂટિંગ શરુ થવા બાબતે પ્રશ્નાર્થ
– પ્રોડયૂસર એકતા કપૂર અને ડિરેક્ટર રાજ શાંડિલ્ય વચ્ચે ઝઘડો : હવે નવા દિગ્દર્શકની શોધ
મુંબઇ : અક્ષય કુમાર, પરેશ રાવળ અને મનોજ બાજપાયીની ‘ભાગમ ભાગ ટુ’ અટકી પડી છે. પ્રોડયૂસર એકતા કપૂર અને ડિરેક્ટર રાજ શાંડિલ્ય વચ્ચે ઝઘડો થયો છે.
એકતા કપૂરે રાજ શાંડિલ્ય પર કરાર ભંગનો કેસ કરી દીધો છે. તેના કારણે આ ફિલ્મનું શૂટિંગ શરુ થતાં પહેલાં જ પ્રોજેક્ટ અટકી ગયો છે. હવે એકતા નવા દિગ્દર્શકની શોધ ચલાવી રહી હોવાનું કહેવાય છે.
રાજ શાંડિલ્યએ એકતા કપૂર સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટર કર્યો હતો. પરંતુ, રાજ શાંડિલ્યએ એકતાની પૂર્વ મંજૂરી વિના અન્ય ફિલ્મો પણ સ્વીકારવા માંડી હતી.
આ ઉપરાંત તેણે એકતાને ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે પોતે તારીખો નહિ ફાળવી શકે તેમ જણાવ્યું હતું. આથી એકતાએ તેને કરાર ભંગની નોટિસ આપી છે.
અક્ષય કુમાર, પરેશ રાવળ અને મનોજ બાજપાયીએ ફિલ્મના શૂટિંગ માટે પચ્ચી દિવસની તારીખો ફાળવી દીધી હતી જે હવે રદ કરવામાં આવી છે. ત્રણેય અભિનેતાઓએ જૂન પછીની તારીખો અન્ય ફિલ્મો માટે ફાળવી દીધી હોવાથી હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરુ થશે તે અનિશ્ચિત બન્યું હોવાનું કહેવાય છે.



