બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to Resign as Bihar CM Says He Wants to Become Rajya Sabha MP

Nitish Kumar to Resign as Bihar CM | બિહારના મુખ્યમંત્રી તથા JDUના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે.

બે દાયકાથી મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી: નીતિશ કુમાર
નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે છેલ્લા 2 દિવસથી તેવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. એવામાં આજે સવારથી જ નીતિશ કુમારના ઘરની બહાર જેડીયુના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. એવામાં સવારે લગભગ 11 વાગ્યે નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે, છેલ્લા બે દાયકાથી તમે લોકોએ સતત મારા પર વિશ્વાસ કર્યો. મેં બિહારના લોકોની પૂર્ણ નિષ્ઠાથી સેવ કરી છે. સંસદીય જીવનની શરૂઆતથી જ મારી ઈચ્છા હતી કે હું બિહારમાં વિધાનસભા અને વિધાનપરિષદ તથા સંસદમાં પણ બંને ગૃહનો સભ્ય બનું. આ જ ક્રમમાં હવે હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. તમારો અને મારો સંબંધ ભવિષ્યમાં પણ બન્યો રહેશે. નવી સરકારને મારું માર્ગદર્શન રહેશે.
નીતિશ કુમાર: રાજકીય સફર
1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ
1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા
1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતા જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી
1998 – 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા
3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું
2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) – JD(U) અસ્તિત્વમાં આવી
2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા
2010: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા
2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું
2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી
2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને ‘મહાગઠબંધન’ બનાવ્યું અને ફરી CM બન્યા
2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી
2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા
2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી
2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા
2025 (બિહાર વિધાનસભા ચૂંટણી): નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઈતિહાસ રચ્યો



