ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply to industries by 40 percent

![]()
– કતારે ગેસનું ઉત્પાદન બંધ કરતા લેવાયેલો નિર્ણય
– ભારત દર વર્ષે 2.7 કરોડ ટન એલએનજીની આયાત કરે છે જે પૈકી 40 ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે
નવી દિલ્હી : ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઇરાનનાં ડ્રોન હુમલા પછી ઉત્પાદન ઠપ થવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. જેના કારણે ભારતીય ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.
ભારત દર વર્ષે ૨.૭ કરોડ ટન લિકવિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ની આયાત કરે છે જે પૈકી ૪૦ ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે. આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર નિર્માણથી લઇને સીએનજી અને પાઇપવાળુ રસોઇ ગેસ (પીએનજી) જેવા પ્રમુખ ક્ષેત્રોમાં થાય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગેસ આયાત કરનાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડને ગેસ વિતરણ કંપનીઓને જણાવ્યું છે કે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓનાં જવાબમાં ઇરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે કતારે પોતાનું એલએનજી ઉત્પાદન બંધ કરી દીધું છે.
આ હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર માર્ગનાં માધ્યમથી ઓઇલ અને એલએનજીનું પરિવહન બંધ થઇ ગયું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત યુદ્ધ જોખમ વિમા અને શિપિંગ ખર્ચમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
કતાર દ્વારા ઉત્પાદન અટકાવી દેવાતા ભારતની ગેસ પૂરવઠો પૂરો પાડતી કંપનીઓએ ઉદ્યોગોને ગેસ આપવાનુેં ં મર્યાદિત કરી નાખ્યું છે. કતાર દ્વારા ઉત્પાદન બંધ કરી દેવાતા પૂરવઠા ખેંચ ઊભી થવા ચિંતા પ્રવર્તી રહી છે.
કતારે સોમવારે લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)નું ઉત્પાદન અટકાવી દીધું હતું. અખાતી દેશો પર ઈરાનના સતત હુમલાને ધ્યાનમાં રાખી કતાર દ્વારા ગેસ ઉત્પાદન અટકાવી દેવાનો નિર્ણય આવી પડયો હતો એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
ગેસ ઉપરાંત ક્રુડ તેલની ટેન્કરો પણ અટકી પડી છે. હોર્મુઝ સમુદ્રમાર્ગને ઈરાને બંધ કરી દેતા પૂરવઠા પર અસર પડી છે.
ભારત એલએનજીનો ચોથો મોટો ખરીદદાર દેશ છે અને એલએનજીની વધુ પડતી આયાત તે પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી કરે છે.
કતાર ભારતનો સૌથી મોટો પૂરવઠેદાર દેશ છે. ગયા વર્ષે દેશની એકંદર એલએનજી આયાતમાં ૪૦ ટકા હિસ્સો કતારનો રહ્યો હતો. વિશ્વમાં કતાર એલએનજીનું બીજુ મોટું નિકાસકાર દેશ છે.



