राष्ट्रीय

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ્રદ યાત્રા | iran supreme leader ayatollah khamenei indian roots barabanki connection


Indian Roots of Iran’s Supreme Leader: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના તબક્કામાં જ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું. ઈરાનના સર્વોચ્ચ સત્તા પાસે રાજકીય, ધાર્મિક અને સૈન્યના સંપૂર્ણ અધિકાર હોય છે. ‘સુપ્રીમ લીડર’નું જે પદ ખામેનેઈ ભોગવતા હતા, તેની શરૂઆત આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ કરી હતી. 1979ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી. રસપ્રદ વાત એ છે કે ખોમેનીના પારિવારિક મૂળિયાં ભારતમાં છે. હા, ખોમેનીના પરદાદા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હતા અને તેમનું જીવન પણ અહીં જ વીત્યું હતું. 

ચાલો જાણીએ, કયા કારણસર તેઓ ભારત છોડીને ઈરાન જઈ વસ્યા હતા.

ઇસ્લામિક ક્રાંતિના પ્રણેતાઃ આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેની

ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની હતા. 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન તેમણે પશ્ચિમ સમર્થિત શાહ મોહમ્મદ રઝા પહલવીને હટાવી દીધા અને ઈરાનને ઇસ્લામિક રિપબ્લિકમાં પરિવર્તિત કર્યું. ખોમેની માનતા હતા કે ધર્મ અને રાજકારણ અલગ નથી. તેમની માન્યતા હતી કે, ‘ઇસ્લામ પોતે રાજકારણ છે.’ તેમની તસ્વીરો આજે પણ ઈરાનમાં ચલણી નોટો, સ્કૂલો અને જાહેર ઇમારતો પર જોવા મળે છે. તેઓ 1989 સુધી ઈરાનના સર્વોચ્ચ પદે રહ્યા હતા.  

ખોમેનીના દાદા ભારતમાં જન્મ્યા હતા

ખોમેનીના દાદા સૈયદ અહમદ મુસાવી ‘હિન્દી’નો જન્મ ઉત્તર પ્રદેશના બારાબંકી નજીક થયો હતો. તેમણે પોતાના ભારતીય મૂળ દર્શાવવા માટે ‘હિન્દી’ ઉપનામ અપનાવ્યું હતું. તેમણે પોતાના પરિવારને શિયા ધાર્મિક પરંપરા વારસામાં આપી હતી. 

બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ હિન્દીની યાત્રા

સૈયદ અહમદ મુસાવી હિન્દીના પૂર્વજો સત્તરમી સદીમાં ઈરાનથી ભારત આવીને વસ્યા હતા. અહમદ હિન્દીનો જન્મ વર્ષ 1800ની આસપાસ ઉત્તર પ્રદેશના બારાબંકી નજીક થયો હતો. તે ગાળામાં મુઘલ સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું અને બ્રિટિશ શાસન મજબૂત બની રહ્યું હતું.

આ પણ વાંચો: જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

ભારત છોડવાનો નિર્ણય શા માટે લીધો?

અહમદ હિન્દી માનતા હતા કે મુસ્લિમ સમાજને ધાર્મિક પુનરુત્થાનની જરૂર છે. આધ્યાત્મિક જીવન જીવવા અને ધાર્મિક અભ્યાસ આગળ વધારવા માટે તેઓ 1830માં ભારત છોડીને મધ્ય-પૂર્વ જતા રહ્યા હતા. તેઓ સૌપ્રથમ ‘નજફ’ (આજનું ઇરાક) ગયા કારણ કે, ત્યાં શિયા મુસ્લિમો માટે પવિત્ર સ્થળ ગણાતી હઝરત અલીની દરગાહ છે. ત્યારબાદ ઈસ. 1834 સુધીમાં તેઓ ઈરાનના ખોમેન શહેરમાં જઈ વસ્યા હતા.

ખોમેનમાં વસવાટ અને પરિવારની શરૂઆત

ખોમેન શહેરમાં અહમદ હિન્દીએ ઘર ખરીદ્યું અને પરિવાર સ્થાપ્યો. તેમણે ત્રણ લગ્ન કર્યા, જેનાથી તેમને પાંચ સંતાન થયા. તેમના એક પુત્ર મુસ્તફા મુસાવી હતા, જે રૂહોલ્લાહ ખોમેનીના પિતા હતા. અહમદ હિન્દી જીવનભર ‘હિન્દી’ ઉપનામ રાખતા રહ્યા, જેથી તેમના ભારતીય મૂળની ઓળખ જીવંત રહે. તેમનું અવસાન 1869માં થયું હતું. તેમને કરબલામાં દફનાવવામાં આવ્યા હતા.

ખોમેની પર અહમદ હિન્દીના વારસાની અસર

ખોમેનીનો જન્મ તેમના દાદાના અવસાન પછી થયો હતો. આમ છતાં પરિવાર દ્વારા સંચાલિત ધાર્મિક મૂલ્યો, આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીની ભાવનાએ તેમના વ્યક્તિત્વ અને રાજકીય દિશાને અસર કરી. આ વારસાએ ઈરાનના ભવિષ્યને આકાર આપ્યો, એક એવી ક્રાંતિ થકી, જેણે દેશને ધર્મશાહી રાજ્યમાં પરિવર્તિત કર્યો અને પશ્ચિમ એશિયાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’

ભારત-ઈરાન વચ્ચેનું સાંસ્કૃતિક અને વ્યાપારી જોડાણ 

ભારત અને ઈરાન વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક, ધાર્મિક અને વેપારી સંબંધો રહ્યા છે. મુઘલ યુગ, સૂફી પરંપરા અને શિયા ધાર્મિક કેન્દ્રો વચ્ચેના સંપર્કો આ જોડાણને મજબૂત બનાવતા રહ્યા છે. અહમદ હિન્દીની જીવનયાત્રા આ ઐતિહાસિક સાંસ્કૃતિક આપ-લેનું જીવંત ઉદાહરણ છે.


ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ 'હિન્દી'ની રસપ્રદ યાત્રા 2 - image



Source link

Related Articles

Back to top button