કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી | Aligarh School Bus Horror: Floor Collapses as Girl Crushed Under Tires Due to Negligence

![]()
Aligarh School Bus Accident : ઉત્તર પ્રદેશમાં શાળાની ગંભીર બેદરકારીના કારણે એક માસૂમ બાળકીનું મોત થવાની ઘટના સામે આવી છે. અલીગઢ-કાસગંજ રોડ પર શનિવારે બપોરે શાળાની એક બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસનું તળિયું તૂટી જતા સવાર બાળકી પડી ગઈ હતી અને પાછળના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે પરિવારજનો ભારે આઘાતમાં છે અને તેઓ શાળા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ભાઈ-બહેન બસમાં શાળાએથી ઘરે જતા હતા
મળતી માહિતી મુજબ, માઉન્ટ ઈન્ટરનેશનલ શાળાની એક જર્જરીત બસમાં યુકેજીની છ વર્ષની વિદ્યાર્થીની અનન્યા સવાર હતી. તેની સાથે તેનો મોટો ભાઈ ગોલુ પણ સવાર હતો. બંને ભાઈબહેન બસમાં સવાર થઈને શાળાએથી ઘરે આવી રહ્યા હતા, ત્યારે અચાનક બસનું પતરું તૂટી જતા અનન્યા નીચે પડી ગઈ હતી. બસનું પતરું એટલું નબળું હતું કે, બાળકી અચાનક પડી ગઈ હતી અને તે બસના પાછળના ટાયરમાં કચડાઈ ગઈ હતી.
બાળકી જે સીટમાં બેઠી હતી, તેની નીચેનું પતરું તૂટતા બની ઘટના
નજરે જોનારાઓએ કહ્યું કે, બસ ઢોલના વિસ્તારમાં પહોંચી ત્યારે અનન્યા જે સીટ પર બેઠી હતી, તેની નીચેનું પતરું અચાનક તૂટી ગયું હતું. બહેનને અચાનક પડતા જોતા ભાઈ ગોલુએ જોરજોરથી બુમો પાડી હતી. ભાઈની બુમો સાંભળતાં જ ડ્રાઈવરે તુરંત બસ અટકાવી દીધી હતી, જોકે ત્યાં સુધીમાં માસૂમ બાળકી ટાયર નીચે આવી જતા મોત થયું હતું.
પરિવારજોનો શાળા પર ગંભીર આક્ષેપ
ઘટના બાદ ડ્રાઈવરે લોહીલુહાણ હાલતમાં અનન્યાને બસની પાછળી બેઠક પર સુવડાવી દીધી હીત અને પરિવારજનોને બાળકી ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી આપી હતી. જ્યારે હકીકત સામે આવી ત્યારે ગ્રામજનોને ખુબ ગુસ્સે થયા હતા અને ભાગવા ગયેલા ડ્રાઈવરને તુરંત પકડી લીધો હતો. એટલું જ નહીં લોકોએ રસ્તો પણ જામ કરીને જોરદાર હોબાળો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ અનેક પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિમાં કાબુમાં લીધી હતી.
આ પણ વાંચો : અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની મેચ રદ, ખેલાડીએ UKના PM પાસે માંગી મદદ
શાળાની બેદરકારી, ડ્રાઈવરની ભૂલના કારણે બાળકીનું મોત
બાળકીના મોતની જાણ થતાં આખો પરિવાર સંપૂર્ણ તૂટી ગયો હતો. માસૂમ બાળકીનું મોત થતા ગામમાં પણ માતમ છવાયો છે. શાળાની બેદરકારી અને ડ્રાઈવરની ભૂલના કારણે આજે એક બાળકીનું મોત થયું છે. મૃતક બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બીજીતરફ શાળાએ આને માત્ર એક ઘટના કહેતા લોકોમાં રોષ વધુ ભભૂક્યો છે.



