રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો | international link in rohit shetty case shooters got funding from nepal

Rohit Shetty Firing Case: પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલાને અંજામ આપવા માટે શૂટર્સને મોટી રકમ આપવામાં આવી હતી અને આ ફંડિંગ પાડોશી દેશ નેપાળથી કરવામાં આવ્યું હતું.
ATM દ્વારા પેમેન્ટ: શૂટર્સને મળેલા ફંડિંગનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલાસો
પોલીસના જણાવ્યા અનુસાર, શૂટર્સને એટીએમ(ATM) દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ વ્યવહારોની પુષ્ટિ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ હાલમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું કે આતંકી સંગઠનોનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
અજ્ઞાત વ્યક્તિ દ્વારા આરોપીઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કેસમાં પકડાયેલા આરોપીઓના બેન્ક ખાતામાં કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા નેપાળથી નાણાં જમા કરાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આગ્રાથી પકડાયેલા આરોપીઓને આ રીતે વારંવાર ફંડિંગ મળતું હોવાની વિગતો સામે આવી છે. મુંબઈ પોલીસે સંબંધિત બેન્કોને પત્ર લખીને આરોપીઓના ખાતાની સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પૈસા જમા કરાવનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતો માંગી છે.
આ પણ વાંચો: વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી
રાજસ્થાન અને હરિયાણાથી પકડાયા હુમલાખોરો
નોંધનીય છે કે રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ ધરપકડો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી કરવામાં આવી છે. હાલમાં મુંબઈ પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.




