કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on Kerala Story 2 matter continued till late night: Verdict reserved

![]()
– વિચાર્યા વિના સર્ટિ. આપવા બદલ સેન્સરને ઠપકો
– સિંગલ જજ બેન્ચે સ્ટે આપ્યા બાદ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલની મોડી રાત સુધી સુનાવણી
મુંબઇ : કેરલ હાઈકોર્ટની સિંગલ બેન્ચે ‘કેરલ સ્ટોરી ટુ’ની શુક્રવારે રીલિઝ પર વચગાળાનો મનાઈહુકમ આપ્યો હતો. જોકે, બાદમાં નિર્માતાએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરતાં આજે મોડી રાત સુધી ડિવિઝન બેન્ચ સમક્ષ સામસામે દલીલો ચાલી હતી. તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટીસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી તથા જસ્ટીસ પી. વી. બાલાકૃષ્ણનની બેન્ચે રાતના પોણા દસ સુધી સુનાવણી કરી હતી.
આ ફિલ્મ ની આવતીકાલે રીલિઝ ડેટ છે. પરંતુ, તે પહેલાં કેરલ હાઈકોર્ટમાં ફિલ્મને અપાયેલાં સેન્સર સર્ટિફિકેટને પડકારતી અરજીઓ થઈ હતી.
સિંગલ બેન્ચે મનાઈહુકમ ફરમાવતાં ફિલ્મની રીલિઝ અટકી પડે તેવી સ્થિતિ સર્જાતાં નિર્માતાએ તત્કાળ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ ફિલ્મ આવતીકાલે ૧૫૦૦ થિયેટરમાં રીલિઝ થવાની છે. છેલ્લી ઘડીએ મનાઈહુકમથી વ્યવસાયિક હિતોને નુકસાન થાય તેમ છે. નિર્મતાએ ફિલ્મથી કોઈ વર્ગ કે રાજ્ય કે સમુદાયની લાગણી નહિ દુભાતી હોવાનો તથા ફિલ્મના પહેલા ભાગને નેશનલ એવોર્ડ પણ મળ્યો હોવાનો ઉલ્લેખ તેમની દલીલોમાં કર્યો હતો. આ પહેલાં હાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરતી વખતે સેન્સર બોર્ડની ભારે ઝાટકણી કાઢી હતી. ન્યામૂર્તિ બેચ્ચુ કુરિયન થોમસની સિંગલ જજની બેન્ચે કહ્યું હતું કે સેન્સર બોર્ડે ખાસ કોઈ વિચારણા કર્યા વિના જ ફિલ્મને પ્રમાણપત્ર આપી દીધું હોય તેમ લાગે છે. સેન્સર બોર્ડ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે ફિલ્મના ટાઈટલમાં કેરલ શબ્દનો ઉલ્લેખ છે અને નિર્માતાઓ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો કરી રહ્યા છે. તે જોતાં અરજદારોેએ ઉઠાવેલી ચિંતાઓ વાજબી છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન સર્જે તેવાં કન્ટેન્ટને મંજૂરી આપી શકાય નહિ.
હાઈકોર્ટે જુદા જુદા ચુકાદાઓ ટાંકતાં એમ પણ કહ્યું હતું કે સરકારી કે ખાનગી કોઈપણ સંસ્થાન કે વ્યક્તિને કોઈપણ સમુદાય કે વર્ગવિશેષની ભાવનાઓ દૂભવવાની મંજૂરી આપી શકાય નહિ.



