ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Clashes: Tensions in Karnataka MP and Andhra Following Stone Pelting

![]()
Karnataka, Madhya Pradesh, Andhra Pradesh Shivaji Jayanti Violence : આજે દેશભરમાં મહારાજ શિવાજી જ્યંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના ત્રણ રાજ્યો કર્ણાટક, મધ્ય પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં પથ્થમારો અને આગચંપી થવાની ઘટના સામે આવી છે. શિવાજી જ્યંતિએ ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન હિંસાત્મક વાતાવરણ થવાના કારણે તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. રિપોર્ટ મુજબ પોલીસની સતર્કતાના કારણે ક્યાં પણ મોટી ઘટના બની નથી અને હાલ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.
મધ્યપ્રદેશ : મંદિર પરિસરમાં તોડફોડ બાદ બબાલ
મધ્યપ્રદેશના જબલપુરના સંવેદનશીલ જિલ્લા સિહોરામાં ગુરુવારે રાત્રે એક દુર્ગા મંદિર પરિસરમાં કથિત તોડફોડ થવાની ઘટના બની હતી, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મંદિરમાં સાંજે આરતી ચાલી રહી હતી અને આ સમયે પાસેની મસ્જિદમાં નમાજનો સમય હતો. ત્યારે એક યુવકે મંદિરની ગ્રિલને કથિત નુકસાન પહોંચ્યા બાદ મામલો બિચક્યો છે. યુવકની ગંભીર કરતૂત બાદ બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જોતજોતામાં હિંસાત્મક રૂપ ધારણ કરતા પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
જિલ્લા કલેક્ટર રાઘવેન્દ્ર સિંહ અને એસપી સંપત ઉપાધ્યાયે કહ્યું છે કે, કોઈપણ ધાર્મિક સ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું નથી. પોલીસે સામાન્ય બળપ્રયોગ કરીને ભીડને ખદેડી દીધી છે. ઘટના બાદ પોલીસે 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. હાલ વિસ્તારમાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે, જેના કારણે સ્થિતિ કાબુમાં છે.
કર્ણાટકમાં શોભાયાત્રા પર પથ્થમારો, SP ઘાયલ
કર્ણાટકના બાગલકોટમાં શિવાજી જ્યંતિની ઉજવણી ચાલી રહી હતી. આ દરમિયાન શોભાયાત્રામાં હિંસા ભડકી ઉઠી હતી. જ્યારે શોભાયાત્રા પંકા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કેટલાક તત્વોએ કથિત પથ્થમારો શરૂ કરી દીધો હતો. ઘટનામાં પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ ગોયલને સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, મસ્જિદ પરથી બે પત્થર ફેંકવામાં આવ્યા હતા. કેટલાક રિપોર્ટ મુજબ, શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચી ત્યારે ડીજે પર ‘મંદિર બાએગે’ ગીત વાગતું હતું, જેનાથી મુસ્લિમ પક્ષને વાંધો પડ્યો હતો. પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને 8 લોકોને કસ્ટડીમાં લીધા છે. સંવેદનશીલ વિસ્તારમાં ચાર દિવસ સુધી કલમ-144 લાગુ કરી દેવાઈ છે.
આંધ્રપ્રદેશમાં સૂત્રોચ્ચારથી વિવાદ
આ ઉપરાંત હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં પણ શિવાજી જ્યંતિની શોભાયાત્રા અને રમઝાનની પ્રાર્થના દરમિયાન બબાલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જોરથી ગીત વગાડવામાં આવતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવતાં ત્યાંના લોકોને વાંધો પડ્યો હતો અને સામ-સામે ઉગ્ર બોલાચાલી થયા બાદ ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે તુરંત કાર્યવાહી કરી છે. કોઈ ઈજાગ્રસ્ત થયું હોવાના કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. પોલીસે શુક્રવારને ધ્યાને રાખીને વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી દીધો છે. હાલ વિસ્તારમાં સ્થિતિ કાબુ છે.



