જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tension in Jabalpur’s Sihora Over Temple Damage Rumors

![]()
Madhya Pradesh Jabalpur News : મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ હતી. સિહોરા તાલુકાના આઝાદ ચોકમાં મંદિર અને મસ્જિદ સામસામે હોવાથી ધાર્મિક વિધિઓ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અત્યાર સુધીમાં આ મામલે 15થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને ભારે પોલીસદળની તહેનાતી હોવાથી વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રસરી ગઈ છે.
જાણો શું હતી ઘટના?
જબલપુર જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં ગુરુવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ હિંસા ફાટી નીકળી હતી. અહીં દુર્ગા મંદિર અને મસ્જિદ સામસામે આવેલા છે. રાત્રે જ્યારે મંદિરમાં આરતી ચાલી રહી હતી અને મસ્જિદમાં નમાજ માટે લોકો એકઠા થયા હતા, ત્યારે કોઈ મુદ્દે બંને પક્ષના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ ત્યારે વધ્યો જ્યારે મંદિરની રક્ષણાત્મક ગ્રીલ (રેલિંગ) ને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો, જેના કારણે હિન્દુ પક્ષ રોષે ભરાયો હતો.
પથ્થરમારો અને પોલીસ કાર્યવાહી
જોતજોતામાં વિવાદ મારામારી અને પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો. અંદાજે 10 મિનિટ સુધી અંધાધૂંધીનો માહોલ રહ્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડીને તોફાની ટોળાને વિખેર્યું હતું.
તંત્રનો દાવો અને સુરક્ષા વ્યવસ્થા
ઘટનાની ગંભીરતાને જોઈને કલેક્ટર રાઘવેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક (SP) સંપત ઉપાધ્યાય કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જબલપુરથી વધારાનું પોલીસ બળ બોલાવીને તૈનાત કરવામાં આવ્યું છે. એસપીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ ધાર્મિક સ્થળને મોટું નુકસાન થયું નથી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પોલીસે લોકોને અફવાઓથી બચવા અને ઘરોમાં રહેવા અપીલ કરી છે.
કેમ સંવેદનશીલ વિસ્તાર?
ઉલ્લેખનીય છે કે, સિહોરાનો આ વિસ્તાર અગાઉ પણ સંવેદનશીલ રહ્યો છે અને અહી અવારનવાર જૂથ અથડામણો થતી રહે છે. હાલમાં આખા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.



