ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefits but it must reach everyone: Pichai

![]()
– ગૂગલે 10 કરોડથી વધુને ડિજિટલ તાલીમ આપી
– બે દાયકા પહેલા યુટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ, આજે લાખો યુટયુબર અસ્તિત્વ ધરાવે છે: પિચાઈ
નવી દિલ્હી : ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ડિજિટલ ડિવાઇડ એઆઈ ડિવાઇડ ન બને તે જોવું જરુરી છે. ટેકનોલોજીના લાભ તળિયાના લોકો સુધી પહોંચે તે જરુરી છે. તેથી વર્તમાન ડિજિટલ ડિવાઇડનું એઆઇ ડિવાઇડમાં રૂપાંતર ન થવા દેવાની જવાબદારી શાસકોની, યુનિવર્સિટીઓની, કંપનીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની છે.
તેમણે જણાવ્યું હતું કે એઆઈ પ્લેટફોર્મ્સ આપણા જીવનમાં મળેલી મહામૂલી તક છે. તેના કારણે માનવ જાતની પ્રગતિ હાઈપર સ્કેલ પર થશે. અત્યાર સુધી જે પ્રગતિ થઈ છે તેને પણ ભૂલાવી દે તેવી પ્રગતિ એઆઈના કારણે જોવા મળશે. એઆઈની વૃદ્ધિ જાણે માનવ વૃદ્ધિની ગાથાને ફાઇવજીની સ્પીડમાં રૂપાંતરિત કરશે અને તેના કારણે સંખ્યાબંધ સંશોધનો થશે. તેથી વિકસતા અર્થતંત્રો વૃદ્ધિનો મહાકાય કૂદકો લગાવી શકે છે. પરંતુ આ માટે દરેકને ઉપયોગી હોય તેવું એઆઈ બનાવવું જોઈએ. તેનો લાભ દરેકને મળવો જોઈએ. ડિજિટલ ડિવાઇડની સ્થિતિનું અહીં એઆઈ ડિવાઇડમાં પુનરાવર્તન ન થવું જોઈએ. આપણે એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીશું તોધાર્યા ન હોય તેવા પરિણામો સામે આવશે.
એઆઈ ટેકનોલોજી અકલ્પનીય ફાયદા લઈને આવી છે.એઆઈ અણમોલ તક છે. તે માનવ વિકાસના અનેક નવા દરવાજા ખોલવા અને અનેક નવા સંશોધકોની જનક બનવા સક્ષમ છે. કમ્પ્યુટર જેમ વિકાસનો નવો યુગ લાવ્યા અને તેના પછી ઇન્ટરનેટ આવ્યું, હવે તેવું જ એઆઈનું છે. તેમણે ટેકનોલોજી કેવો ફેરફાર લાવે છે તેના પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજથી બે દાયકા પહેલાં કોઈએ યુ ટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ. આજે લાખો લોકો યુટયુબર બને છે અને પોતાના જ આગવા કન્ટેન્ટથી કમાણી કરે છે. તેઓ કોઈને આધીન નથી. એઆઈ હવે આવી આગવી રચનાત્મકતા ધરાવતા લોકોની સંખ્યા કરોડોમાં પહોંચાડી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એઆઈ પાવર્ડ તબીબી નિદાન વધુ ઝડપથી રોગની સારવાર શરુ કરાવી શકે છે અને તેનાથી મૃત્યુદર ઘટે છે. આ જ રીતે એઆઈ આધારિત ચોમાસાની આગાહી કરોડો ખેડૂતો પર અસર પાડી શકે છે. આ એઆઈની વ્યાપક ક્ષમતા બતાવે છે. તેમણે કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ગ્લોબલ કનેક્ટિવિટી વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગૂગલ ૧૦ કરોડથી વધુ લોકોને ડિજિટલી સ્કિલ્ડ કરી ચૂક્યું છે.



