1800 કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થને મોટી રાહત, તપાસ કમિટીએ આપી ક્લીનચીટ | Pune Land Scam Major Relief For NCP Leader Parth Pawar Probe Committee Gives Clean Chit

![]()
Pune Land Scam: પૂણેના ચર્ચિત 1800 કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થ પવારને મોટી રાહત મળી છે. તપા સમિતિએ NCP નેતા પાર્થ પવારને ક્લીનચીટ આપતા બે સરકારી અધિકારીઓ પર કાર્યવાહીની ભલામણ કરી છે.
ડીલમાં સામેલ બે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ
અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) વિકાસ ખડગેની અધ્યક્ષતા હેઠળની તપાસ સમિતિને તપાસમાં એ જાણવા મળ્યુ કે, જમીન ડીલમાં પાર્થ પવારની કોઈ સીધી ગેરરીતિ સાબિત નથી થઈ રહી, જોકે ડીલની પ્રક્રિયામાં સામેલ બે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટમાં હવેલીના તહસીલદાર સૂર્યકાંત યેવલે અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. બંને અધિકારીઓને પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં તેઓ જેલમાં છે.
શું છે સમગ્ર મામલો?
આ જમીન પૂણેના મુંઢવા વિસ્તારમાં સ્થિત છે, જેને દિવંગત અજિત પવાર અને સુનેત્રા પવારના પુત્ર પાર્થ પવારની ‘અમેડિયા’ કંપનીએ ખરીદી હતી. એવો આરોપ હતો કે લગભગ 1,800 કરોડની બજાર કિંમત ધરાવતી આ જમીન માત્ર 300 કરોડમાં ખરીદવામાં આવી હતી અને 21 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરી દેવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી.
વિવાદ વધતા તત્કાલીન ડેપ્યુટી સીએમ અજિત પવારે ડીલ રદ કરવાની જાહેરાત કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો હતો. હવે તપાસ રિપોર્ટ મહેસૂલ મંત્રીને સોંપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. લગભગ 1,800 કરોડની કિંમતની મહાર વતન જમીનને 300 કરોડમાં ખરીદવામાં આવી હોવાના આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સોમવારે મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને સોંપ્યો હતો.
સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર
આ રિપોર્ટ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં એક તરફ પાર્થ પવારના સમર્થકો તેમની રાહતને મોટી જીત ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે ઘણા સવાલોના જવાબ હજુ નથી મળ્યા. આવનારા દિવસોમાં સરકાર શું કાર્યવાહી કરે છે અને રિપોર્ટ પર અંતિમ નિર્ણય શું લે છે તેના પર સૌની નજર રહેશે.



