વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begins in Wadhwan: People facing hardships while distributing water for 6 days

![]()
– મુખ્ય વાલ્વમાં ખામી સર્જાતા વિતરણ વ્યવસ્થા ઠપ્પ : તંત્ર નિષ્ફળ
– સૌરાષ્ટ્રની તરસ છીપાવતો ધોળીધજા ડેમ છલોછલ ભરેલો પરંતુ તંત્રની અણઆવડના કારણે ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો ઘાટ સર્જાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોને આશા હતી કે સુવિધાઓમાં વધારો થશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ વઢવાણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા છ દિવસથી વઢવાણના રહેણાંક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોને મોંઘા ભાવના ખાનગી ટેન્કરો મંગાવવાની નોબત આવી છે.
વઢવાણના શિયાણી પોળ, ધોળી પોળ, મસ્જિદ ચોક, નવા દરવાજા અને ખાંડી પોળ સહિતના તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જ્યારે સ્થાનિક રહીશોએ આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી, ત્યારે જાણવા મળ્યું કે મુખ્ય પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે વઢવાણની બંને ટાંકીઓના વાલ્વ એકસાથે કામ કરતા બંધ થઈ ગયા હોવાનું જણાવાયું છે. અધિકારીઓના મતે રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી છોડવામાં આવશે, પરંતુ ત્યાં સુધી જનતાએ પાણી વગર રહેવું પડશે. નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધા ન મળતા ગૃહિણીઓએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
સૌથી વધુ વિરોધાભાસી સ્થિતિ એ છે કે વઢવાણની નજીક આવેલો ધોળીધજા ડેમ હાલ ૧૬ ફૂટની સપાટીએ ભરેલો છે. આ ડેમ આખા સૌરાષ્ટ્રની તરસ છીપાવે છે, પરંતુ ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. મહાનગરપાલિકાની અણઘડ પાણી વિતરણ વ્યવસ્થા અને ઘોર બેદરકારીને કારણે શિયાળામાં જ પાણીની તંગી સર્જાઈ છે. જો શિયાળામાં આ પ્રકારની હાલાકી હોય, તો આગામી ઉનાળામાં પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તે વિચારીને જ નગરજનો ફફડી રહ્યા છે. હાલમાં સ્થાનિકો દ્વારા તાકીદે પાણી વિતરણ શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.



