દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 countries of the world on our own terms: Modi

![]()
ભારતમાં રાજકીય સ્થિરતાથી વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
ડિફેન્સ ફોર્સને સરકારનું મજબૂત સમર્થન : બદલાતી ભૂ-રાજકીય-સુરક્ષા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ જરૂરી
નવી દિલ્હી: યુરોપીયન યુનિયન અને અમેરિકા સાથે વેપાર કરાર તથા વાર્ષિક બજેટની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, રાજકીય સ્થિરતાએ ભારતમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. અમેરિકા સાથે વેપાર કરારમાં ભારત ઝૂકી ગયું હોવાના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતે માત્ર અમેરિકા જ નહીં દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા છે. ઓપરેશન સિંદૂર અને આ વર્ષે સંરક્ષણ બજેટમાં સૌથી વધુ ફાળવણી અંગે પીએમ મોદીએ કહ્યું કે, સરકાર હંમેશા મજબૂતીથી સુરક્ષા દળો સાથે ઊભી રહી છે અને તેમને સશક્ત બનાવવા માટે શક્ય તમામ પગલાં લેવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને એમએસએમઈ સેક્ટરે ભારતને દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાવવા સક્ષમ બનાવ્યા છે. આ દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) ટેક્સટાઈલ, લેધર, કેમિકલ, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી અને અન્ય ક્ષેત્રોમાં નાના ઉદ્યોગો માટે બજાર પહોંચ વધારવાના આશયથી કરાયા છે.
તેમણે જણાવ્યું કે સરકારનું બજેટ માત્ર સામાન્ય એકાઉન્ટિંગ દસ્તાવેજ નથી, પરંતુ તે દેશના લાંબાગાળાના વિકાસની રૂપરેખા છે. સાથે વડાપ્રધાને કહ્યું કે, તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનોએ નિકાસના બધા જ જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. તેમણે ઉમેર્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મૂડી ખર્ચ રૂ. ૧૨.૨ લાખ કરોડ કરાયો છે, જે ૨૦૧૩ની સરખામણીમાં અંદાજે પાંચ ગણો વધુ છે.
ગયા વર્ષે પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં આ વર્ષે બજેટમાં સંરક્ષણ ખર્ચમાં જંગી વધારો કરતા સંરક્ષણ બજેટ વધારીને રૂ. ૭.૮૫ લાખ કરોડ કર્યું છે, જે લગભગ ૧૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઓપરેશન સિંદૂરની સફળતા અને તેના પરથી લેવાયેલા બોધપાઠ કે પડોશી દેશો પાકિસ્તાન સાથે અવિશ્વાસના કારણે સંરક્ષણમાં બજેટ વધારાયું છે અને પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ કેટલું વાસ્તવિક છે તેવા સવાલ પીએમ મોદીને કરાયો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દેશની ડિફેન્સ ફોર્સને મજબૂત કરવા અને તેમના સમર્થન માટે જે પણ જરૂરી હશે તે કરવા કટિબદ્ધ છે. ગયા વર્ષે સંરક્ષણ ક્ષેત્રમાં ૧.૮૦ લાખ કરોડનો ખર્ચ કરાયો હતો, જે આગામી વર્ષમાં ૨૮ ટકા વધારીને ૨.૩૧ લાખ કરોડ કરી દેવાશે. બદલાતી ભૂ-રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિઓ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ જરૂરી છે, જેથી દેશ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે.
દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાને કહ્યું કે, ભારત કમ્પ્યુટિંગ ક્ષમતા અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા મજબૂત એઆઈ ઈકોસિસ્ટમનો પાયો નાંખી રહ્યું છે.
આગામી એક દાયકા માટે સુધારની ત્રણ મુખ્ય પ્રાથમિક્તાઓ છે, જેમાં માળખાગત સુધાર, ડીપ ઈનોવેશન અને સરળ શાસન વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ સુધારાથી દેશના અર્થતંત્રને મજબૂત આધાર મળશે.



