10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Kerala youngest organ donor Alin Abraham brain dead organ donor

![]()
Kerala Alin organ donor: કેરળના પથનમથિટ્ટા જિલ્લાના મલ્લપલ્લી વિસ્તારની 10 મહિનાની બાળકી અલીન અબ્રાહમ મૃત્યુ પછી પણ જીવનનું પ્રતીક બની ગઈ છે. એક ગંભીર માર્ગ અકસ્માત બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાઈ હતી. તેના માતાપિતાએ અસામાન્ય માનવતા દાખવીને તેના અંગોનું દાન કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે છ મહિનાના એક બાળક સહિત પાંચ લોકોને નવજીવન મળ્યું છે. આ ઘટના કેરળ જ નહીં, ભારત અને દુનિયાભરમાં ઉદાહરણીય છે.
ગંભીર અકસ્માતે માસૂમનો જીવ લીધો
5 ફેબ્રુઆરીએ બપોરે લગભગ 2:30 વાગ્યે અલીન તેના પરિવાર સાથે કોટ્ટાયમથી તિરુવલ્લા જઈ રહી હતી. એમ.સી. રોડ પર એક જંકશન નજીક સામેથી આવતી કાર સાથે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અલીનને જીવલેણ ઈજા પહોંચી હતી. તેની માતા અને દાદા-દાદીને પણ ઈજાઓ થઈ હતી. અલીનને પ્રાથમિક સારવાર માટે ચાંગનાસેરી અને તિરુવલ્લાની હોસ્પિટલો લઈ જવાઈ. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ તેને કોચીની અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
બાળકી બ્રેઇન ડેડ જાહેર, માતાપિતાની માનવતા
13 ફેબ્રુઆરીએ ડોક્ટરોએ અલીનને બ્રેઇન ડેડ જાહેર કરી. અલીનના માતાપિતા અરુણ અબ્રાહમ અને શેરીન જોન માટે એ સમય અસહ્ય દુઃખનો હતો. આમ છતાં, તેમણે માનવતાને પ્રાથમિકતા આપીને અલીનના અંગદાન માટે સંમતિ આપી. ત્યાર પછી એર્નાકુલમ સ્થિત અમૃતા હોસ્પિટલમાં અલીનના શરીરમાંથી લિવર, બે કિડની, હૃદયનો વાલ્વ અને બંને આંખની કોર્નિયા કાઢીને વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા.
કયું અંગ ક્યાં મોકલાવાયું?
– લિવર – તિરુવનંતપુરમની KIMS હોસ્પિટલમાં સારવાર હેઠળના 6 મહિનાના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. આ બાળક ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોઈ બીજાનું અંગ મેળવનારો કેરળનો સૌથી નાની વયનો દર્દી છે.
– કિડની – તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ SAT હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળક માટે મોકલાઈ.
– હૃદય વાલ્વ – તિરુવનંતપુરમ ખાતેની શ્રી ચિત્રા ઇન્સ્ટિટ્યૂટને અપાયો.
– કોર્નિયા – અમૃતા હોસ્પિટલમાં સંગ્રહિત કરાયાં.
જીવન બચાવવા માટેનું ‘ગ્રીન કોરિડોર’ મિશન પાર પાડ્યું
અલીનના અંગોને ઝડપથી યથાસ્થાને પહોંચાડવા માટે પોલીસ, આરોગ્ય વિભાગ અને જનતાના સહકારથી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. કોચીથી તિરુવનંતપુરમ સુધીનું લગભગ 220 કિમીનું અંતર એમ્બ્યુલન્સે માત્ર 3 કલાક 15 મિનિટમાં પૂરું કર્યું, જે સામાન્ય રીતે સવા પાંચ કલાકનો સમય લે છે. આ સમગ્ર કામગીરી K-SOTTO (Kerala State Organ & Tissue Transplant Organisation)ના સંકલન હેઠળ અને ગૃહ વિભાગના સહયોગથી સંપન્ન થઈ હતી.
સરકાર અને સમાજ તરફથી શ્રદ્ધાંજલિ
રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે અલીનના માતાપિતાના નિર્ણયને માનવતાનું મહાન ઉદાહરણ ગણાવ્યું છે. કેરળના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને જાણીતા કલાકારોએ પણ આ કરુણાભર્યા નિર્ણયની પ્રશંસા કરી છે. રાજ્ય સરકારે અલીનના અંતિમ સંસ્કાર માટે પોલીસ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.
શા માટે બાળકો માટે અંગદાન દુર્લભ છે?
નાનું બાળક ગંભીર રીતે બિમાર હોય તો એને ટ્રાન્સપ્લાન્ટ માટેનું અંગ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. એ માટે નીચે મુજબના કારણો જવાબદાર છે.
– પુખ્ત વ્યક્તિના અંગો બાળકોમાં લગાડવામાં કદની સમસ્યા નડી જાય છે.
– બાળકોના બ્રેઇન ડેડ થવાની ઘટનાઓ ખૂબ ઓછી બને છે.
– જો કોઈ બાળક બ્રેઇન ડેડ થાય તો પણ ભાવનાત્મક કારણોસર તેના માતાપિતા મોટેભાગે તો અંગદાનની સંમતિ નથી આપતા.
અલીન માનવતાનો અમર સંદેશ આપી ગઈ
અલીનનું જીવન ભલે ટૂંકું રહ્યું, પરંતુ તેના અંગદાન દ્વારા અનેક પરિવારોમાં આશાનો પ્રકાશ ફરી પ્રગટ્યો છે. તેના માતાપિતાએ દુઃખની ઘડીમાં કરેલી માનવતાભરી પસંદગી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.



