કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર | bengaluru nelamangala accident car ksrtc bus collision 5 dead

![]()
Karnataka Accident: શહેરના બહારના વિસ્તાર નેલમંગલા પાસે શનિવારે મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર અને કર્ણાટક રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (KSRTC) ની બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પાંચેય યુવાનોના ઘટના સ્થળે જ મોત
પોલીસના જણાવ્યા અનુસાર, કાર બેંગલુરુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક કાર ડિવાઈડર સાથે અથડાઈને સામેની લેનમાં પહોંચી ગઈ હતી. જેના કારણે સામેથી આવી રહેલી બસે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો : જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ
અકસ્માતની વિગતો
મૃત્યુ પામેલા તમામ યુવાનોની ઉંમર 17 થી 22 વર્ષ વચ્ચે હતી. આ તમામ યુવાનો ડોડ્ડાબલ્લાપુરાના રહેવાસી અને મિત્રો હતા. રાહતની વાત એ રહી કે બસમાં સવાર તમામ 43 મુસાફરો સુરક્ષિત છે. તેઓને અન્ય બસ દ્વારા આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવ્યા હતા. મદનાયકનહલ્લી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ છે. જેના પરથી પોલીસને આશંકા છે કે કારની ઝડપ ખૂબ વધારે હતી અને ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું.
સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી
જોઈન્ટ પોલીસ કમિશનર કાર્તિક રેડ્ડીએ જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કારમાં સવાર યુવાનો નશામાં હતા? આ માટે લોહીના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. મૃતકો પૈકીની એકની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર મંદિરે જવાનું કહીને મિત્રો સાથે ઘરેથી નીકળ્યો હતો. તે સીસીટીવી કેમેરા ઓપરેટર તરીકે કામ કરતો હતો. માતાને એ જાણકારી નહોતી કે કાર કોની હતી.



