‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep Singh Puri Clarifies Epstein File Link: Hits Back at Rahul Gandhi’s Allegations

![]()
Hardeep Singh Puri On Rahul Gandhi’s Allegations : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ્સમાં કેન્દ્રીય મંત્રીનું નામ હોવાનો દાવો કર્યો છે, જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ દાવા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાહુલના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલે તેમનું નામ લઈને પાયાવિહોણા આક્ષેપ કર્યા છે અને આ તેમની જૂની આદત છે.
રાહુલને પાયાવિહોણા આક્ષેપો કરવાની આદત : હરદીપ સિંહ પુરી
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ‘એક યુવા નેતાએ સંસદમાં કંઈ કહ્યું છે. તેમને આધારવગરના આક્ષેપો કરવાની આદત છે. રાજકારણમાં બે પ્રકારના નેતા હોય છે. એક, જવાબદારી નિભાવીને સમાજ સેવામાં જીવન સમર્પિત કરે છે અને દેશને બદલવાનું કામ કરે છે. જ્યારે બીજા, એવા નેતાઓ હોય છે, જે દેશને 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી પહોંચાડવાનું કામ કરે છે. આપણે હાલ ચોથા સ્થાને છીએ અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને આવી જઈશું.’
કેન્દ્રીય મંત્રીએ રાહુલ પર સાધ્યું નિશાન !
કેન્દ્રીય મંત્રી નામ લીધા વગર રાહુલ પર નિશાન સાધીને કહ્યું કે, ‘કેટલાક એવા નેતાઓ છે, જેઓ ક્યારેક-ક્યારેક દેશમાં આવે છે, વિદેશની યાત્રા કરે છે અને જ્યારે સંસદમાં આવે છે, ત્યારે બીજાની વાત સાંભળતા નથી અને જતા રહે છે. આજે પણ લોકસભાની કાર્યવાહી દરમિયાન તેઓ ભાષણ આપીને જતા રહ્યા હતા.’
આ પણ વાંચો : જેફરી એપસ્ટિન ઈઝરાયલી જાસૂસ હતો? FBIના સિક્રેટ ડોક્યુમેન્ટમાં ખુલાસો, નેતન્યાહૂ ભડક્યાં
રાહુલે આંખ મારીને કહ્યું, ‘તમારું નામ રસપ્રદ જગ્યાએ આવ્યું’
તેમણે એવું પણ કહ્યું કે, ‘26 નવેમ્બર-2025માં ગૃહના સેન્ટ્રલ હૉલમાં બંધારણ દિવસ પર કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી મારી પાસે આવ્યા હતા અને આંખ મારીને કહ્યું કે, તમારું નામ રસપ્રદ જગ્યાએ આવ્યું છે. પછી મેં તેમને પૂછ્યું કે, શું તમે સત્ય જાણવા માંગો છો? ત્યારબાદ મેં આ મામલે તેમને માહિતી મોકલી હતી. મેં તેમને આખો મામલો સમજાવવા નોટ્સ મોકલી હતી.’
એપસ્ટિન મામલે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?
એપસ્ટિન મામલામાં કેન્દ્રીય મંત્રીનું નામ હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો, ત્યારે આ મામલે હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું કે, ‘તે વખતે હું ન્યૂયોર્કમાં ભારતનો રાજદૂત હતો, ત્યારે 2009માં હું આંતરરાષ્ટ્રીય પીસ ઈન્સ્ટિટ્યૂટ (IPI)ના એક પ્રતિનિધિમંડળમાં સામેલ હતો, ત્યારે મેં જેફરી એપસ્ટિન સાથે મુલાકાત કરી હતી. આ તમામ તથ્યો પબ્લિક ડોમેનમાં છે. લગભગ ત્રણ મિલિયન ઈ-મેલ જાહેર કરાયેલા છે. હું આઠ વર્ષ બાદ મંત્રી બન્યો છું. તેમાં આઠ વર્ષ દરમિયાન ત્રણ-ચાર મુલાકાતોનો ઉલ્લેખ છે.’
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘મેં રાહુલ ગાંધીને મોકલેલી નોટ્સમાં એવું પણ લખ્યું હતું કે, જ્યારે હું સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત તરીકે નિવત્ત થયો હતો, ત્યારે મને IPIમાં આવવાનું આમંત્રણ અપાયું હતું. તે વખતે હું ઈન્ડિપેન્ડન્ટ કમિશનનો જનરલ સેક્રેટરી પણ હતો. તે વખતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન આ સંસ્થાના પ્રમુખ હતા અને તેઓ એપસ્ટિનને જાણતા હતા. ત્યારે હું પ્રતિનિધિમંડળમાં સામેલ હોવાના કારણે તે મુલાકાત થઈ હતી. તેથી કોઈપણ આરોપ કે વિવાદ સાથે આ મુલાકાતનો કોઈ સંબંધ નથી.’
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં હરદીપ સિંહ પુરીનું નામ લઈને એપ્સટીન ફાઈલ સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, એપ્સટીન ફાઈલમાં કેન્દ્રીય મંત્રીનું નામ સામે આવ્યું છે.



