લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap yadav reveals five jaychand rjd internal war political analysis

Tej Pratap Yadav 5 Jaychand List: બિહારની રાજનીતિમાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતા તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર RJD પાર્ટીમાં ખળભળાટ મચાવી દીધો છે. તેજ પ્રતાપે કોઈ પણ આડકતરી વાત કરવાને બદલે સીધા જ એવા પાંચ શક્તિશાળી નેતાઓના નામ જાહેર કર્યા છે, જેમને તેઓ પોતાની રાજકીય કારકિર્દીના ગદ્દાર માને છે.
તેજ પ્રતાપનો આરોપ છે કે આ પાંચેય નેતાઓ તેમના વિરુદ્ધ કાવતરાં કરી રહ્યા છે અને તેમને તેમના ભાઈ તેજસ્વી યાદવથી દૂર રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેજ પ્રતાપે આ નેતાઓને ‘જયચંદ’ કહીને સંબોધ્યા છે, જે સમાજમાં વિશ્વાસઘાતના પ્રતીક તરીકે ઓળખાય છે.
ખાસ મિત્ર જ બન્યા કટ્ટર દુશ્મન: તેજ પ્રતાપના નિશાને મુકેશ રૌશન
તેજ પ્રતાપની યાદીમાં મોખરે મુકેશ રૌશન છે, જેમના માટે તેજ પ્રતાપે પોતાની મહુઆ બેઠક છોડી હતી. 2015માં અહીંથી જીતનાર તેજ પ્રતાપે 2025માં ફરી આ જ બેઠક પરથી નસીબ અજમાવ્યું, પણ મુકેશ રૌશન અને તેજ પ્રતાપ બંને હારી ગયા. જે મુકેશ એક સમયે તેમના ખાસ ગણાતા, આજે તે જ તેમના નિશાના પર છે.
બહારના લોકોએ ભાઈઓને લડાવ્યા: સંજય યાદવ પર તેજ પ્રતાપનો ગંભીર આરોપ
યાદીમાં બીજું નામ તેજસ્વીના રાઈટ હેન્ડ અને રાજ્યસભા સાંસદ સંજય યાદવનું છે. હરિયાણાના વતની સંજય યાદવ લાંબા સમયથી તેજસ્વીના રાજકીય સલાહકાર અને રણનીતિકાર છે. તેજ પ્રતાપનો આરોપ છે કે સંજય યાદવ જેવા બહારના લોકો જ ભાઈ-ભાઈને લડાવે છે અને તેમને મુખ્ય રાજનીતિથી દૂર રાખવાનું કાવતરું કરી રહ્યા છે.
તેજ પ્રતાપના નિશાને તેજસ્વીના અંગત મદદનીશ રમીઝ નેમત
તેજ પ્રતાપે ત્રીજા સ્થાને તેજસ્વીના અંગત સાથી રમીઝ નેમતનું નામ લીધું છે, જેઓ હંમેશા તેમની સાથે પડછાયાની જેમ રહે છે. તેજ પ્રતાપનો આરોપ છે કે રમીઝ માહિતી તોડી-મરોડીને રજૂ કરે છે અને તેજસ્વીના કાન ભરે છે. સંગઠનમાં રમીઝની વધતી વગથી તેજ પ્રતાપ નારાજ છે, ઉલ્લેખનીય છે કે અગાઉ તેજ પ્રતાપના મોટા બહેન રોહિણી આચાર્યએ પણ લાલુ પરિવારમાં રમીઝની દખલગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
પ્રવક્તા શક્તિ સિંહ યાદવ પર તેજ પ્રતાપનો પ્રહાર: ગણાવ્યા ચોથા ‘જયચંદ’
તેજ પ્રતાપે ચોથા સ્થાને RJDના મુખ્ય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય શક્તિ સિંહ યાદવનું નામ આપ્યું છે. તેજ પ્રતાપનો આરોપ છે કે શક્તિ સિંહ જાહેરમાં પક્ષની તરફેણ કરે છે, પરંતુ અંદરખાને તેમની છબી બગાડવાનું કામ કરી રહ્યા છે. તેજ પ્રતાપ તેમની સક્રિયતા અને નિવેદનોને પોતાની અવગણના તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી
લાલુ પરિવારના ખાસ ગણાતા સુનીલ સિંહ હવે તેજ પ્રતાપના નિશાને
તેજ પ્રતાપે પાંચમા ‘જયચંદ’ તરીકે MLC અને બિસ્કોમાનના અધ્યક્ષ સુનીલ સિંહનું નામ આપ્યું છે. લાલુ યાદવના વિશ્વાસુ અને રાબડી દેવીના મોં બોલ્યા ભાઈ ગણાતા સુનીલ સિંહ સાથે તેજ પ્રતાપને લાંબા સમયથી અણબનાવ છે. તેજ પ્રતાપનો આરોપ છે કે સુનીલ સિંહ પોતાની વગનો ઉપયોગ કરીને તેમનું રાજકીય કદ નાનું કરી રહ્યા છે. તેજ પ્રતાપના આ આકરા પ્રહારથી બિહારના રાજકારણમાં અને યાદવ પરિવારમાં નવા વિવાદના મંડાણ થયા છે.
જયચંદ’ શબ્દનો પ્રયોગ કેમ?
તેજ પ્રતાપ યાદવે આ નેતાઓને ‘જયચંદ’ કહીને સંબોધ્યા છે, જે ભારતીય સમાજમાં વિશ્વાસઘાત અને ગદ્દારીનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. જોકે, ઇતિહાસના પાનાઓમાં રાજા જયચંદને એક વીર યોદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે 1194માં ચંદાવરના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો સામનો કર્યો હતો. બીજી તરફ, તેમને પૃથ્વીરાજ ચૌહાણને દગો આપનાર તરીકે પણ દર્શાવવામાં આવે છે. તેજ પ્રતાપે આટલા કઠોર શબ્દોનો પ્રયોગ એટલે કર્યો છે જેથી તેઓ કાર્યકરોને સમજાવી શકે કે આ પાંચેય નેતાઓ પાર્ટીની અંદર ‘વિભીષણ’ અને ‘જયચંદ’ જેવી ભૂમિકા ભજવી રહ્યા છે.




