‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm modi seychelles president herminie attend joint press meet at hyderabad house

PM Modi meets Seychelles President: ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી અને દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
બંને નેતાઓની ઉપસ્થિતિમાં અનેક મહત્ત્વના MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં સંરક્ષણ, અર્થતંત્ર અને તકનીકી ક્ષેત્રે બંને દેશોના સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે. આ બેઠક હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના પ્રભુત્વ અને ‘ગ્લોબલ સાઉથ’ના મજબૂત નેતૃત્વની દિશામાં એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2025માં સત્તા સંભાળ્યા બાદ પેટ્રિક હર્મિનીની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ભારત અને સેશેલ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે.
‘વિઝન મહાસાગર’ માટે સેશેલ્સના સમર્થનની પ્રશંસા
આ બેઠક પહેલાં તેમણે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી અને ભારતના ‘વિઝન મહાસાગર'(MAHASAGAR) પ્રત્યેના સેશેલ્સના સમર્થનની પ્રશંસા કરી હતી.
શાસન અને ઉદ્યોગ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા પર ભાર
પ્રમુખ હર્મિની રવિવારે ચેન્નાઈ અને મુંબઈની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શાસન, ઉદ્યોગ, દરિયાકાંઠાના સંચાલન અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા માટે મહત્ત્વના હિતધારકો સાથે ચર્ચાઓ કરી હતી.
હિન્દ મહાસાગરમાં ભારત-સેશેલ્સની અતૂટ ભાગીદારી
ભારત માટે સેશેલ્સ એક વ્યૂહાત્મક દરિયાઈ પાડોશી છે અને ‘ગ્લોબલ સાઉથ’ સાથેના સહયોગના ભાગરૂપે આ મુલાકાત અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. નવી દિલ્હીમાં રોકાણ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે.
બ્લુ ઈકોનોમી અને રોકાણની તકો પર વિશેષ ભાર
ચેન્નાઈની મુલાકાત દરમિયાન પેટ્રિક હર્મિનીએ સેશેલ્સના સ્વાસ્થ્ય મંત્રી સાથે મળીને આરોગ્ય સેવાઓ સુધારવા માટે ચર્ચાઓ કરી હતી, જેમાં સુપર-સ્પેશિયાલિટી આઉટરીચ, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્તી દવાઓ પૂરી પાડવા જેવા મુદ્દાઓ સામેલ હતા. તો બીજી તરફ મુંબઈમાં તેમણે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે મુલાકાત કરી અને ‘ઇન્ડિયા-સેશેલ્સ બિઝનેસ રાઉન્ડ ટેબલ’માં ભાગ લીધો હતો. આ બેઠકમાં બ્લુ ઇકોનોમી, દરિયાઈ વેપાર અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં રોકાણની તકો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.




