પ્રાઇવસીનો ભંગ કરવો હોય તો ભારત છોડો : વોટ્સએપને સુપ્રીમ ચેતવણી | If you want to violate privacy leave India: Supreme Court warns WhatsApp

![]()
– ભારતમાં કામ કરવું હોય તો આ દેશના બંધારણનું પાલન કરવું પડશે : સુપ્રીમ
– વોટ્સએપ પર ડોક્ટરની સલાહ લઇએ ત્યાં સોશિયલ મીડિયા પર દવાના વીડિયો કે જાહેરાતો દેખાવા લાગે છે : મુખ્ય ન્યાયાધીશ
– માત્ર પ્રાઇવસી જ નહીં પણ લોકોના વર્તન સાથે ચેડાનો પણ મામલો, અમે મૂળમાં જઇશું : સુપ્રીમ
નવી દિલ્હી : લોકોના દૈનિક જીવનમાં વણાઇ ગયેલી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને તેની કંપની મેટાનો ભારતની સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી મુદ્દે ઉધડો લીધો હતો. પોતાની નક્કી કરાયેલી ચોક્કસ જાહેરાતોના હેતુ માટે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કહ્યું હતું કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા નહીં દઇએ, તમે લોકોની પ્રાઇવેસી સાથે રમત ના રમી શકો, જો તમે અમારા બંધારણને અનુસરી શકો તેમ ના હોય તો પછી ભારત છોડી દો, પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે બાંધછોડ નહીં થવા દઇએ.
અમેરિકાની કંપની મેટા અને વોટ્સએપની પોલિસીની જટિલતા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે તમારી કેટલીક પોલિસી એવી છે કે જેને સમજવામાં અમને પણ મુશ્કેલી આવી રહી છે ત્યારે બિહાર કે તમિલનાડુના ગ્રામીણ વિસ્તારનો એક આમ નાગરીક, ફેરિયા કે અન્ય લોકો તમારી આ જટિલ પોલિસીને કેવી રીતે સમજી શકશે? ખરેખર આ પ્રકારની નીતિઓ લોકોની અંગત માહિતીની ચોરી કરવા માટેનો એક રસ્તો છે, જેને અમે નહીં ચલાવીએ. પોતાના કેટલાક અનુભવોના આધારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે વોટ્સએપ પર ડોક્ટર જ્યારે કોઇ દવા લખી આપે છે અને તેને તમે વાંચો છો તેના થોડા જ સમયમાં તમને દવાની જાહેરાતો દેખાવા લાગશે, ઇમેલ આવવા લાગે છે અને યુટયુબ પર કેવી દવા લેવી તેના વીડિયો દેખાવા લાગે છે.
સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને વિપુલ એમ પંચોલીની બેંચ દ્વારા વોટ્સએપ, મેટા, સીસીઆઇ (કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા) દ્વારા નેશનલ કંપની લો એપેલન્ટ ટ્રિબ્યૂનલ સામેના ગયા વર્ષના ચુકાદા સામે થયેલી અરજીઓની સુનાવણી કરી રહી છે. ટ્રિબ્યૂનલે વોટ્સએપની ૨૦૨૧ની પ્રાઇવસી પોલિસી મુદ્દે સીસીઆઇ દ્વારા ફટકારેલી ૨૧૩.૧૪ કરોડ રૂપિયાની પેનલ્ટી યોગ્ય ઠેરવી હતી. જેની સામે આ કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. વોટ્સએપએ એવી દલીલ કરી હતી કે વોટ્સએપ સંપૂર્ણ ફ્રી સર્વિસ છે, આ દલિલોને પણ સુપ્રીમે ફગાવી હતી અને જવાબમાં કહ્યું હતું કે વોટ્સએપ યૂઝર્સ ડેટા તરીકે ચાર્જ ચુકવે છે, યૂઝર્સના ઇન્ટરનેટ ડેટા તમારી પ્રોડક્ટ (વોટ્સએપ)નો છૂપો ચાર્જ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બાગ્ચીએ કહ્યું હતું કે અમે એ ચકાસણી કરીશું કે વોટ્સએપ કેવી રીતે ડેટાને રેન્ટ પર આપે છે અને જાહેરાતો માટે કેવી રીતે લોકોને નિશાન બનાવે છે.



