राष्ट्रीय

મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ! 20 ધારાસભ્યો દિલ્હીમાં, આ નેતા CM બનવાની રેસમાં | manipur bjp government formation news 2026




Manipur BJP: મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર બનશે કે કેમ? તે અંગેની અટકળો તેજ થઈ ગઈ છે, કારણ કે મણિપુરથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી છે. મણિપુરના 20 થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા અને હવે પાર્ટીએ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા માટે નિરીક્ષકની નિમણૂક કરી દીધી છે. રાજ્યમાં આવતા વર્ષે જ રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થવા જઈ રહ્યું છે, તે પહેલા પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે સરકાર બનાવી લેવામાં આવે. સોમવારે ભાજપે મણિપુરમાં નિરીક્ષક તરીકે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગની નિમણૂક કરી છે. હવે કોઈપણ દિવસે મણિપુરમાં NDA ધારાસભ્યોની બેઠક યોજાઈ શકે છે અને નેતાની પસંદગી થઈ શકે છે.

નવા મંત્રીમંડળનું સમીકરણ

ભાજપના સૂત્રો અનુસાર નવી સરકારમાં રાજ્યમાં એક ડેપ્યુટી CM (નાયબ મુખ્યમંત્રી) પણ હશે. જેથી રાજ્યનાં બંન્ને સમુદાયો વચ્ચે પાવર બેલેન્સ કરી શકાય. આ ઉપરાંત એક વર્ષ જેટલો સમય સરકાર ચાલે તો જનતા વચ્ચે પણ પોતાના કામ ગણાવી શકાય.

પાવર બેલેન્સ માટે સોગઠા

મુખ્યમંત્રી: મેતેઈ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની શક્યતા છે.

ડેપ્યુટી CM: કુકી સમુદાયના કોઈ નેતાને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ પાછળનું કારણ એ છે કે રાજ્યમાં એવો સંદેશ જાય કે સરકાર તમામ સમુદાયોને સાથે લઈને ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભારે તણાવ અને હિંસા જોવા મળી હતી, જેનાથી બચવા માટે ભાજપ હવે કુકી સમાજમાંથી ડેપ્યુટી CM બનાવી શકે છે.

મુખ્યમંત્રી પદની રેસમાં કોણ?

મુખ્યમંત્રી પદ માટે બિરેન સિંહ સરકારમાં સ્પીકર રહેલા સત્યવ્રત સિંહ, ભૂતપૂર્વ મંત્રી ટી.એચ. બિસ્વજીત સિંહ અને કે. ગોવિંદ દાસને તક મળી શકે છે. આ તમામ નેતાઓ મેતેઈ સમુદાયના છે. જોકે, કુકી ધારાસભ્યોએ કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ માંગ કરી છે કે તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, અન્યથા તેમના માટે સરકારનો ભાગ બનવું મુશ્કેલ હશે. કેટલાક ધારાસભ્યોએ તો મણિપુરને વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની પણ માંગ કરી છે.

એન. બિરેન સિંહે ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્યો ઈચ્છે છે કે 2027ની ચૂંટણી પહેલા ઓછામાં ઓછું એક વર્ષ સરકાર ચાલે, જેથી તેઓ જનતા વચ્ચે તેમણે કરેલા કામની યાદી લઇને જઇ શકે.

વિગત માહિતી
રાષ્ટ્રપતિ શાસન લાગુ 13 ફેબ્રુઆરી 2025 (પ્રથમ વખત)
વધારો ઓગસ્ટ 2025 માં ફરી 6 મહિના માટે લંબાવાયું
વિધાનસભાની મુદત 2027 સુધી
કુલ બેઠકો 60 બેઠકો
ભાજપનું સંખ્યાબળ 37 ધારાસભ્યો



Source link

Related Articles

Back to top button