બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budget 2026: Government to Promote High Value Crops to Raise Farmers’ Income

![]()
Budget 2026: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026નું બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકારે હવે પરંપરાગત ખેતીની સાથે ‘હાઈ વેલ્યૂ ક્રોપ’ (ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો) અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નાળિયેર અને કાજુના ઉત્પાદન માટે ‘સ્પેશિયલ મિશન’
બજેટમાં નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. નાળિયેરની ખેતી કરતા રાજ્યોમાં જૂના અને ક્ષતિગ્રસ્ત વૃક્ષોને હટાવી નવી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતોના વાવેતર માટે સહાય અપાશે. વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકોને ‘પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ’ બનાવવા માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બની નિકાસ વધારી શકે.
આ પણ વાંચો: નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ, નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
ખેતીમાં AI અને મહિલાઓ માટે ‘શી-માર્ટ્સ’
સરકારે ખેતીમાં વિજ્ઞાનનો સમન્વય કરતા બે મોટી પહેલ કરી છે. કૃષિ ઉત્પાદકતા વધારવા અને રોગ-જીવાતની સચોટ આગાહી માટે ખેતીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ‘શી-માર્ટ્સ’ની સ્થાપના કરવામાં આવશે, જ્યાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થઈ શકશે.
મત્સ્યઉદ્યોગનો વિકાસ
નાણાંમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે 500 નવા જળાશયો વિકસાવવાની જાહેરાત કરી છે. આ પગલાથી જળચર પ્રાણીઓના સંવર્ધન અને માછીમારોની આવકમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું – ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર



