CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas cheaper custom duty relief auto sector

![]()
Budget 2026 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં સામાન્ય જનતાને રાહત આપવા માટે CNG અને બાયોગેસને સસ્તું કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી CNG વાહનો ચલાવતા લોકોના ઈંધણ ખર્ચમાં સીધો ઘટાડો થશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મોટી રાહત મળશે. નાણામંત્રીએ બજેટ 2026માં બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવેથી કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસની કિંમત પર છૂટ આપવામાં આવશે.
CNG વાહનો ચલાવવા સસ્તા થશે
સરકારના આ નિર્ણયથી બાયોગેસ આધારિત ઈંધણ સસ્તું થશે. જેની સીધી અસર CNG વાહનોના સંચાલન ખર્ચ અને ઓટો ઈન્ડસ્ટ્રી પર પડશે. આ ઉપરાંત, બજેટમાં EV બેટરી પણ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા હવે પહેલા કરતા વધુ સસ્તા થશે.
મુખ્ય ફેરફાર શું છે?
અત્યાર સુધી બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કુલ ઈંધણના મૂલ્યના આધારે કરવામાં આવતી હતી. બજેટ 2026 મુજબ, હવે ડ્યુટી કેલ્ક્યુલેશનમાં બાયોગેસના મૂલ્યને અલગ રાખવામાં આવશે, જેનાથી ટેક્સનો બોજ ઘટશે અને ગેસ સસ્તો થશે.
આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો IT એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ
ઓટોમોબાઈલ સેક્ટરને થશે ફાયદો
ઈંધણ ખર્ચમાં ઘટાડો: CNG અને બાયોગેસ આધારિત વાહનોનો રનિંગ કોસ્ટ ઘટશે.
વધુ કિફાયતી મુસાફરી: CNG કાર, ટેક્સી અને કોમર્શિયલ વાહનો ચલાવવા વધુ સસ્તા બનશે.
નવું રોકાણ: ઓટો કંપનીઓને CNG અને ફ્લેક્સ-ફ્યુલ ટેકનોલોજીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ: બસ અને ફ્લીટ ઓપરેટર્સને રાહત મળવાથી પરિવહન ખર્ચ ઘટી શકે છે.
આ પણ વાંચો: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર
ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ભારત
સરકારનો આ નિર્ણય માત્ર ઓટો ઇન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી અનેક દૂરોગામી ફાયદા થશે:
વેસ્ટ-ટુ-એનર્જી: બાયોગેસ પ્લાન્ટ અને કચરામાંથી ઉર્જા બનાવવાના પ્રોજેક્ટ્સને વેગ મળશે.
ગ્રામીણ અર્થતંત્ર: ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને બાયોગેસના ઉત્પાદનથી આર્થિક લાભ થશે.
પર્યાવરણ: કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના લક્ષ્યને મજબૂતી મળશે.
આયાતમાં ઘટાડો: વિદેશી અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઓછી થશે.
નિષ્ણાતોના અનુસાર જો રાજ્ય સરકારો પણ ટેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ આપે, તો ભારતમાં બાયોગેસ મિશ્રિત CNG વાહનોનું નેટવર્ક ઝડપથી ફેલાઈ શકે છે.



