Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian Armed Forces as Defence Budget Jumps 15% in Budget 2026

![]()
Budget 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સરહદી પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રે સુરક્ષા કવચ વધુ મજબૂત કર્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં સંરક્ષણ મંત્રાલય માટે 7.8 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ગત વર્ષના 6.81 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ અંદાજે 14થી 15 ટકાનો મોટો વધારો દર્શાવે છે.
ભારતીય સેનાના આધુનિકીકરણ પર વિશેષ ભાર
આ વખતના બજેટનું મુખ્ય આકર્ષણ સેનાનું આધુનિકીકરણ છે. સરકારે આધુનિક હથિયારો અને નવી ટેકનોલોજીના સમાવેશ માટે મૂડી બજેટમાં મોટો વધારો કર્યો છે. નવા સાધનો, ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટની ખરીદી માટે ગત વર્ષના 1.80 લાખ કરોડ રૂપિયાથી વધારીને 2.19 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટનો ઉપયોગ સેનાને આધુનિક ડ્રોન સિસ્ટમ, લાંબી દૂરીની મિસાઇલો અને સાયબર સુરક્ષા માળખાથી સજ્જ કરવા માટે થશે.
શા માટે આ વધારો અનિવાર્ય હતો?
વિશ્વભરમાં રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધો તેમજ ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર સતત બદલાતી પરિસ્થિતિને જોતા આ વધારો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. સેનાને ‘ટુ-ફ્રન્ટ વોર’ માટે તૈયાર રાખવા અને આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે.
2024-25માં ભારતનું સંરક્ષણ બજેટ
કેન્દ્રીય બજેટ 2025માં સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ 6.8 લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2024 માટે ભારતનું સંરક્ષણ બજેટ 6.21 લાખ કરોડ રૂપિયા હતું, જે 2023-24 નાણાકીય વર્ષની સરખામણીમાં 4.79 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે કુલ બજેટ ફાળવણી 5.94 લાખ કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચો: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર



