राष्ट्रीय

‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vande mataram protocol national anthem status



Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.


'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image



Source link

Related Articles

Back to top button